પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
330
ગુજરાતનો જય
 

“પરમારદેવ ! આ જુવાને મને યવનોથી ડરતો દેખી ફિટકાર દીધેલો. હું માણસાઈ ચૂકતો હતો તેમાંથી એણે બચાવેલો. તારું નામ શું, સૈનિક?”

“સોમ.” યોદ્ધાએ ટૂંકું નામ આપ્યું. સાંભળનારા સૌ રમૂજ પામ્યા. સોમને તો જીવન ગંભીર બન્યું હતું.

"તારા પિતાનું નામ?”

"ધારાવર્ષદેવ.” વીરધવલ વધુ ચકિત બન્યા. આ પોતે જ ધાર પરમારનો પુત્ર હતો. અને આબુની ગાદીનો વારસદાર એક સામાન્ય યોદ્ધાની પંગતમાં ! એને સોમ-ચંદ્રપ્રભાવાળી ઘટના માલુમ નહોતી.

ધારાવર્ષદેવે કહ્યું: “રાણાજી  ! સોમ તો હજુ બચ્ચું છે. એનો અપરાધ થયો લાગે છે.”

“પણ આમ કેમ?” વીરધવલે સોમનું નીચલું પદ દેખીને પૂછ્યું.

“એ તો એને સ્થાને જ શોભે ને, રાણા ! ગાદી પર બેસે ત્યારે જુદી વાત, તે પહેલાં તો એ અદના સૈનિક જ છે અને રહેશે.”

"એટલે જ કદાચ આબુનો વિજય થયો છે. પણ હવે તો મારે મારા ધોળકાવાસીઓનોયે ડર મટાડવો છે, યવનોને તો મારા પ્રજાજનોએ કદી ભાળ્યા નથી.”

"જીવતા તો લઈ જવા માટે રહ્યા નથી.”

“તો હું મૂએલાને લઈ જઈ બતાવીશ.”

આબુની એ ઘાટીમાં રડવડતાં યવનોનાં વિકરાળ છેદાયેલાં મસ્તકોનાં ગાડાં ને ગાડાં ભરીને વીરધવલ અને તેજપાલ ધોળકે લઈ ગયા અને ધોળકાની પ્રજાને ખાતરી થઈ કે યવનો પણ ઘુઘૂલની માફક બેપગા ને બેહાથાળા સામાન્ય મનુષ્યો છે અને એને પણ ગુર્જરી પરાજય આપી શકે છે.

એ માથાના ઢગલા દેખીને સૌથી વધુ ઠરેલી આંખો સિદ્ધેશ્વરના બુઢ્ઢા રખેવાળ દેવરાજ પટ્ટકિલની હતી. હવે આ જીવનમાં પોતાને જોવા જેવું કશું રહ્યું નહીં. દેવરાજે તે જ રાત્રિએ ખાટલો ઢાળ્યો. ધીરે ધીરે એના પ્રાણ છૂટી ગયા. એ ખબર રાણા લવણપ્રસાદને પાટણ પહોંચતાં તેમણે જીવનમાં ફરી એકવાર જગતથી છૂપું સ્નાન કર્યું. ધોળકામાં વીરધવલે સ્નાન કર્યું. વીરધવલ ખૂબ ખૂબ રડ્યા. એણે પિતાના મૃત્યુનું દુઃખ અનુભવ્યું.

આબુના વિજય પછી વસ્તુપાલ અને તેજપાલ પાટણના મહામંત્રીપદે સ્થપાયા. લવણપ્રસાદ સાથે મહામંત્રી મંત્રણામાં બેઠા. વામનસ્થલી પત્યું, ગોધરા પત્યું,