પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
11
આરા-પાણીનાં છાનગપતિયાં

સ વર્ષ પછી –

મલાવ તળાવનાં પાણીમાં દિવસભર જેટલાં વળિયાં પડતાં, તેટલાં જ ત્યાં જનરવનાં જૂજવાં મોજાં લહેરાતાં.

જનરવ શમી જતો ત્યારે રાતને એકાંત-પહોરે મલાવના આરા અને મલાવનાં પાણી વચ્ચે છલક છલક સ્વરે જાણે કોઈ વાર્તાલાપ ચાલતો.. પાણી પૂછતું હતું, આરા જવાબ વાળતા હતા. મધ્ય ભાગમાં પાણીની વચ્ચોવચ્ચ ઊભેલા મીનલપ્રાસાદના મહાદેવ એકલા જાણે આ વાર્તાલાપ સાંભળતા અને મંદિરના ગર્ભાગારમાં બળતી દીવાની જ્યોત વચ્ચે વચ્ચે ચિડાઈને શિખા ધુણાવતી, શિવપાર્વતીને પૂછતી હતી કે તમે કેમ શોકમાં રહો છો? કહેતાં કેમ નથી? પાણી અને આરાના બબડાટ તમને શી વ્યથા કરી રહ્યા છે?

પાણી પ્રશ્ન કરતાં: 'પહેલાં પાંચ વર્ષ તો આંહીં નિત્ય નિત્ય નવલા નવલા પ્રજાજનોની ભીડ ઊભરાતી, ને હવે કેમ તમારાં પગથિયાં ખાલી પડ્યાં રહે છે, હેં આરા?'

આરા જળવાણીને જવાબ સંભળાવતા: ‘આવેલાઓ પસ્તાઈને પાછા ચાલ્યા જાય છે. આવવા તૈયાર થયેલાઓ આંહીંની હાલત સાંભળીને અટકી જાય છે. ગામોગામ ખબર પડ્યા છે કે ધોળકે તો મામા આવ્યા પછી કોઈને સુખ રહ્યું નથી.' . 'મામા કોણ છે?'

'મામાને ઓળખતાં નથી. મૂરખા મલાવનાં પાણી ! તમારાં હૈયાં ઉપર હોડીઓ તરાવે છે, હંંસો, બતકો ને જળકૂકડીઓને ઝાલી જાય છે એ મામાને નથી ઓળખતાં? એનું નામ સાંગણમામા.'

'એ ક્યાંના છે?’

'સોરઠ દેશના, વામનસ્થલી રાજનાઃ: આપણા રાણા વીરધવલના સાળા, રાણી જેતલવાના માડીજાયા.'

'મામા સાંગણ ઠેઠ વામનસ્થલીથી આંહીં આવ્યા, તેમાં બીજા કેમ પાછા જાય