પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરા-પાણીનાં છાનગપતિયાં
67
 

ભૂવણો ગૂડિય.'

'હા, અને હવે ભસી નાખને, પા'ણા !' આro હી-હી-હી હસે છે, કે પોરવાડની પુત્રી વયજૂકા રાજગઢના ગોલા ભૂવણ ગૂડિયાને પ્રેમ કરે છે, એ જ કહેવું છેને તારે, પગથિયા?'

'નહીં રે નહીં, રઢિયાળા ! પોરવાડની દીકરી હાલતાં ને ચાલતાં તળાવ-પાળે પ્રેમમાં પડી જાય તેવી નથી. સૌનો પ્રેમ કાંઈ તારા શેવાળ જેવો લપસણો ન હોય. એ વયજૂકાનો ભાઈ દીઠો છે?'

'કોણ?'

'તેજપાલ નાણાવટી; મંડલિકપુરનો વાણિયો; આજાનબાહુ યોદ્ધો.'

'આજાનબાહુ યોદ્ધો હોય તો પહોંચે નહીં મામા સાંગણને!'

'હં-અ!' પગથિયું બોલ્યું. 'કાંઈ તારા રાજપૂતો જેવો ચડાઉ ધનેડું નથી કે તારા જેવાનો ચડાવ્યો ભુજાનાં જોર વાપરી નાખે !'

'ત્યારે?'

‘એ તો સબૂરીભરી તૈયારી કરે છે. એને ઘેર તો ગામેગામનાં લોક આવે છે. કોઈ સોનારૂપાનાં ૨હ્યાં સહ્યાં ઘરેણાં વેચવા આવે છે, તો કોઈ જમીનો માંડી દેવા આવે છે. સૌને એ સમજાવે છે કે વેચી વેચીને ક્યાં સુધી લાંચ ખવરાવશો પટ્ટકિલોને, અધિકારીઓને ને મામાને? જૂથ બાંધોને એકલઠ્ઠા બનોને!'

'તે આ દુઃખની વાત વયજૂકાનો, ભાઈ રાણા-રાણકીને કેમ કહેતો નથી?'

'કાચું કાપે તેવો નથી એ વાણિયો. વસ્તી તો મામાની એક ત્રાડે રાણાની આગળ ફેરવી તોળે, કે ના રે ના, વયજૂકાનો ભાઈ તો જૂઠો છે ! અમને તો મામાનું કાંઈ દુઃખ નથી ! તો પછી વયજૂકાના ભાઈનો વક્કર શો રહે? એ તો વસ્તીને એવી ટેકનું પાણી પાય છે, કે મામો સાંગણ ઊભાં ને ઊભાં ફડિયાં કરી નાખે તોપણ કોઈ પ્રજાજનનો બોલ બદલે નહીં.'

'એવું શે થાય?'

'વયજૂકાનો ભાઈ પોતે ટેકીલો થાય તો જ થાય. પણ એ ટેકની કસોટી લોકો નજરે જુએ તો જ થાય.'

'પણ વયજૂકાની ને વંઠક ભૂવણાની શી વાત કરતું હતું તું, એ તો કહે સુંવાળા પગથિયા!”

'એ નહીં કહું.' એમ કહીને પગથિયું ચૂપ થઈ ગયું.

કેમ કે પરોઢ પડતું હતું. આ ઉપર એક અઢાર વર્ષની કુમારિકા સ્નાન કરવા ઊતરતી હતી. તેની સાથે એક છત્રીસેક વર્ષની શ્યામવરણી સ્ત્રી હતી.