પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિશ્રી
81
 

પણ દૂર જઈને એ પાંચ માંહેલા આગલા અસવારે ઘોડો ફેરવીને થંભાવી રાખ્યો. બીજા ચાર પણ એની પાછળ ગોઠવાઈને ઊભા રહ્યા. મુખ્ય પુરુષનો ઘોડો રસ્તા પર રુમઝુમાટ કરતો રહ્યો. અસવારના કોણી સુધી ઉઘાડા હાથને કાંડે બે કડાં હતાં તે પણ ચમકતાં હતાં. એના શિર પર મંદીલ હતું ને એની મૂછો પાતળી, છેડેથી સહેજ વાંકડા વાળેલી હતી. દાઢી તો નજીવી, છતાં ઓળીને બે ભાગે પાટલી પડેલી, બુકાનીમાં બાંધેલી હતી.

વટેમાર્ગુ ચાલતો ચાલતો નજીક આવ્યો ત્યારે એ મુખ્ય ઘોડેસવારે એને પૂછ્યું, : “શું લલકારી રિયા છો, કવિતા?"

"કવિતા મને ગમે છે, ને આ ધરતી કાવ્ય સ્ફુરાવે તેવી છે." વટેમાર્ગુએ સહેજ સંકુચિત હૃદયે જવાબ વાળ્યો.

એને ભય હતો કે વળી કદાચ આ કોઈ રાજપુરુષ કવિતા અને સાહિત્યની મશ્કરી કરી માતા શારદાને દૂભવશે. એ ભય એને નાનપણથી જ પેઠો હતો.

"આ ધરતી ! કવિતા સ્કુરાવે !” માથું ધુણાવીને રાજવેશધારી ઘોડેસવાર એવું હસ્યો કે જે તુચ્છકાર નહીં પણ અંતરની ઊંડી ઊડી મીઠાશ મહેકાવતું હોય. "ક્યાંથી, પાટણથી આવો છોને?”

“હા જી.”

“જવું છે ક્યાં, ધોળકે ?”

“જી હા.”

“પાળા કેમ ચાલો છો?”

"ઘોડા પર ભાર જરા વધારે છે.”

“શું ભર્યું છે?"

"પોથી-પાનાં.”

“આટલાં બધાં વેચવાનાં છે? ધોળકાના રાજાએ તો કાળા અક્ષરોને કૂટી માર્યા છે. કોને વેચશો?”

“વેચવાનાં નથી. મારે પોતાને વાંચવાનાં છે."

“આટલાં બધાં તમારે એકલાને?” પ્રશ્ન પૂછનાર રાજપુરુષને મન તો સકળ આશ્ચર્યોની અવધિ થઈ ગઈ. “લો. ચાલો, ચાલો, વાતો કરતા કરતા સાથે જ ચાલીએ. કાંટિયા વર્ણની સાથે ચાલવાનો વાંધો નથીને?”

“વાંધો શો હોય?”

"એમ કે ક્યાંક લૂંટી લેશે. પણ તમારા માલની લૂંટ તો અમારા ઘોડાનેય ભારી થઈ પડે તેવી છે, ફિકર રાખતા નહીં.”