પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
82
ગુજરાતનો જય
 


સૌ સાથે ચાલવા લાગ્યા, ને મુખ્ય ઘોડેસવારની આંખો, એ વટેમાર્ગના ઘોડા પર લાદેલ ભાર તરફ વધુ ને વધુ તલસાટથી જોતી રહી. એણે વટેમાર્ગુના ચહેરામોરાની સંસ્કારિતા જોઈને વિનયપૂર્વક પ્રશ્નો કર્યા: “પાટણમાં શું કરો છો ?”

“અભ્યાસ કરતો હતો.”

“આટલી ઉંમર સુધી અભ્યાસ !” એણે જોયું કે પ્રવાસી ત્રીશ વર્ષથી તો ઓછો ન હોઈ શકે.

"અભ્યાસ તો સો વર્ષ સુધી કરીએ તોય અધૂરો રહે.”

“એટલી બધી વિદ્યા છે આ પૃથ્વી પર? મારા બાપ !” રાજપુરુષનું મોં ઉત્સુક બાળક જેવું બની ગયું, “ધોળકા કેમ જવું બને છે?”

“ત્યાં કુટુંબ છે. મારો નાનો ભાઈ ધંધો કરે છે.”

“નાનેરો ધંધો કરે છે ને મોટેરો અભ્યાસ કરે છે !”

"એ વહેલો કંટાળી ગયો. વિદ્યા બહુ ચડી નહીં. લડાયક મગજનો જરા વિશેષ છે. વળી બેમાંથી એક જણે તો કુટુંબનો રોટલો રળવા લાગી જવું જોઈએને !”

"ખુશ થવા જેવું, કે નાનેરો ભાઈ એ ફરજ બજાવે છે. શો ધંધો કરે છે?”

“મુદ્રાવ્યાપાર (નાણાવટ)નો.”

“નામ?”

“તેજપાલ.”

“ઓળખ્યા. રાણકીના મેદાનમાં ભીમેશ્વર પાસે હું ઘોડો ફેરવવા જાઉં છું ત્યારે પરોડિયે કડકડતી ટાઢમાં પણ ચંદનામાં નાહતા હોય છે. લોખંડી કાયા લાગે છે. બહુ ઓછાબોલા લાગે છે. તલવારપટે ભારી રમે છે. એના જ તમે મોટાભાઈ ! હવે શું કરશો? વાંચ્યા જ કરશો?”

“એકલું વાંચ્યા કર્યું તો જીવન થોડું જાય?”

"ત્યારે ?"

વટેમાર્ગુ કંઈક કહેતો કહેતો રહી ગયો.

“તમારું નામ?”

"વસ્તુપાલ.”

“વસ્તુપાલ શેઠ, આપણી ભોમકા માટે કાંઈક કરોને ! મને તો આમાં કાંઈ સૂઝતું નથી. તમે બધા ભણીગણીને ધોળકે આવવા લાગ્યા છો, અને મારી શરમ તો વધતી જાય છે.”

“આપ કોણ છો?'"

“અટાણે તો છું કેવળ ક્ષત્રિય.” એ જવાબ સાંભળીને પાછળ ચાલ્યા આવતા