પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
ગુલાબસિંહ.

“ઉચ્ચીકરણ ! જવા દો ને વાત. તમારા હિંદુ પંડિતો વળી ગમે તેવી ગપસપ ચલવે, ને શું છે તો કહે ઉચ્ચીકરણ ! વાહ રે વાહ ! તેઓ વાતો કરે છે કે ઉત્તરોત્તર ઉચ્ચ ભાવના કરતે કરતે છેક સર્વભાવમય એવી આત્મભાવનાને પમાય છે. પણ આત્મા તે શું ? આત્મા એવી વસ્તુજ ક્યાં છે ? મનને ભાવે તેવું ચિત્ર બનાવવાની વાત કરો છો તે સમજાય; પણ દેખીને કે સમજીને ગ્રહણ ન થઈ શકે તેવા આત્મા બાત્માની ગપ્પો આપણે ગળે ઉતરતી નથી. હાડકાં ચામડાં ભેગા થઈને એક સંચો ચાલે તેમ ચાલ્યું, પણ તેમાં વળી બીજી ગપ શી ! ચિત્રકલામાં પણ જે હોય તેની વાત – ઉચ્ચીકરણ કેવું ! ને કલ્પના કેવી !”

લાલો ત્તો કૃષ્ણ પરમાત્માની, દુર્યોધનની સભામાં અદૃશ્ય ઉભેલી મૂર્તિ તરફ જોતો જાય ને આ બંદા ભણી નજર કરતો જાય, વળી દુર્યોધનને જુએ ને બંદાને જુએ – એમ વિચારમાં કાંઈ બોલ્યા વિના માથું હલાવતો જાય; એટલામાં બંદો બોલી ઉઠ્યો “અરે ભાઇ ! પેલો ઠગારો ગુલાબસિંહ ! એની બધી લુચ્ચાઈ હવે મેં જાણી છે, હવે મેં એને ઓળખ્યો છે, એણે તમને મારા વિષે શું કહ્યું હતું ?”

“તારે માટે તેણે કાંઈ કહ્યું નથી, પણ તારા વિચારો ગ્રહણ ન કરવાની મને ચેતવણી આપી છે.”

“બસ, એટલું જ ! એ તો ખરેખરો કાફર છે; અને આપણે તે દિવસ એને માળ્યા હતા તે પછી મેં એની લુચ્ચાઈ ખુલ્લી પાડી દીધી છે, તેથી હું એમ ધારતો હતો કે એ મારે માટે કાંઈ નિંદાની વાત ચલાવશે ખરો.”

“એની લુચાઈ ખુલ્લી પાડી દીધી ! — તે કેવી રીતે ?”

“એ વાતમાં કાંઈ માલ નથી; નકામી ને લાંબી છે. એક અક્કલ ગયેલો મારો વૃદ્ધ મિત્ર છે તેને પોતાની વિદ્યા શીખવવા બેઠો હતો—કદાપિ મૃત્યુ ન થાય એવા અક્સીરની ને કીમીયાની ! ભાઈ ! મારી શીખામણ માને તો એવા ધૂતારાની સોબત જવા દે” આટલું કહીને બંદો આંખના ઈશારાથી પોતાની કહેલી વાત લાલાના મનમાં ઉતારી, ચાલતો થયો.

લાલાનું મન આ વેળે પોતાના હૃદયમાં બેઠું હતું; એટલે બંદાની વાતોમાં એને કાંઈ રસ પડ્યો નહિ, એટલુંજ નહિ, પણ તે અણગમતી થઈ પડી.