પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
મધ્યરાત્રિએ મળીશ.

હોય છે તેવું તો સર્વાંશે પ્રેમાર્દ્ર હતું, તે ગભરાવા લાગ્યો. પોતાના મિત્રની શોધ કરવા પાછો ફરવાનો પણ તેણે આગ્રહ કરવા માંડ્યો અને ભારે રકમ ઇનામ તરીકે આપવાનાં વચનોથી ભોમિયાને પોતાની સાથે આવવા લલચાવી શક્યો. પર્વતનો નીચેનો ભાગ બધો શાન્ત હતો, અને ચંદ્રપ્રકાશથી શ્વેતરૂપે સ્પષ્ટ વિસ્તરી રહ્યો હતો; ભોમિયાની ઝીણી નજરે તે પ્રદેશમાંના દૂરના દૂર પદાર્થ પણ જોઈ શકાતા હતા તેઓ ઘણે દૂર ગયા નહિ એટલામાં બે માણસો તેમના તરફ આવતા તેમણે જોયા. તેઓ પાસે આવતા ગયા તેમ રામલાલે પોતાના મિત્રને ચટ ઓળખ્યો, અને હર્ષમાં ભોમિયાને કહેવા લાગ્યો “પરમેશ્વરનો પાડ કે એ સહીસલામત આવ્યો.”

“અરે ભાઈ ! ગાયત્રી ભણવા મંડો, કે બીજો કાંઈ મંતર બોલો, કે રામ રામ રામ બોલો,” પેલો ભોમિયો ગાભરો ગાભરો કહેવા લાગ્યો “તે દિવસ રાતે જે ભૂત મેં જોયેલું તેજ આ રહ્યું ! હાય ! હાય ! આ વખત એનું મોં માણસના જેવું છે !”

રામલાલજી !” જેવો રામલાલનાં હર્ષ ભર્યાં વચનને લાલો-ક્ષીણ, શ્વેત, અને ગુમ થઈ ગયેલો લાલો – ઠંડા મીજાજથી અભિનંદતો હતો, તેવામાં ગુલાબસિંહે કહ્યું “રામલાલજી ! મેં તમારા મિત્રને કહ્યું હતું કે આજ રાતે આપણે મળીશું, તમે જુઓ છો કે તમે એ ભવિષ્યવાણી ખોટી પાડી શક્યા નથી.”

“હેં શું શું ! કેમ કેવી રીતે – ક્યાં ?” એમ રામલાલ ગભરાટમાં ને ગભરાટમાં આશ્ચર્યથી લવવા લાગ્યો.

“તમારા મિત્રને જ્વાલામુખીના ધુમ્રગોટથી બેભાન થઈને ભોંય ઉપર પડેલો મેં જોયો. એને હું વધારે સ્વચ્છ હવામાં ઉપાડી ગયો; અને ત્યાંથી, આ પર્વતનો હું ભોમિયો છું એટલે એને તમારી પાસે લેઈ આવ્યો. અમારી વાત આટલીજ છે. તમે જોઈ શકશો કે જે ભવિષ્યવાણીને તમે ખોટી પાડવા આવ્યા છો તેજ ભવિષ્યવાણીથી તમારો મિત્ર જીવતો રહી શક્યો છે; એક ક્ષણ વધારે ગઈ હોત તો એ તમારો મિત્ર તમારો ન હતો. ચાલો રામ રામ !”

“રહો રહો. મારા પ્રાણદાતા ! ઉભા રહો. આમ તમે જાઓ તે ઠીક નહિ” લાલો પ્રથમથીજ બોલ્યો “તમે અમારી સાથે પાછા નહિ આવો ?”