પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
પસ્તાવો.

છતાં તેમના વિષે વિચાર કરવા કરતાં ભવિષ્યના વિચારમાં એ વધારે મગ્ન હતો. ગુપ્તવિદ્યાનું દ્વાર ઓળંગી ગુહ્યાગારમાં પેસવા તલષી રહેલા કોઈ ચેલાના જેવી એની સ્થિતિ હતી.

ઉઠીને એણે કપડાં પહેર્યા, અને રામલાલને પોતાના કોઇ દેશીઓ સાથે મીજબાની ગયેલો જાણી ખુશી થયો. એકાંત વિચાર કરવામાં એણે મધ્યાન્હ ગાળ્યો, ને ધીમે ધીમે રમાની મૂર્તિ પાછી એના હૃદયમાં ખડી થઈ એ મૂતિ અતિપવિત્ર — કેમકે અમાનુષી — હતી. એણે એનો ત્યાગ કર્યો હતો; અને જો કે એ પસ્તાવો ન હતો, તો પણ પસ્તાવો થવાનો હોય, ને મોડો થાય, તો તે નકામો છે એમ વિચારી ગભરાયો. પોતાને આસનેથી ઘણી ત્વરાથી ઉઠ્યો, અને રસમૂર્તિના ઝુંપડા તરફ ઝડપથી ચાલવા લાગ્યો.

છેટું થોડું ન હતું, તેમ હવા પણ બંધ હતી, એટલે લાલાજી ઉકળાટથી ગભરાતો અને નિઃસ્વાસ થઈ ગયેલો માને બારણે આવી ઉભો. બારણું હડસેલ્યું, પણ કોઈએ ઉત્તર આપ્યું નહિ. ઉઘાડી અંદર ગયો, દાદર ઉપર ચઢ્યો, પણ કાંઈ સંભળાતું ન હતું, કોઈ જીવતા પ્રાણીનો શબ્દ કે સ્પર્શ એને સમજાતો ન હતો. દીવાનખાનામાં ગાદી ઉપરજ સીતાર પડેલો હતો, ને તેની પાસે રાસનાં કેટલાંક પદો લખેલાં પડ્યાં હતાં. જરા વાર થોભ્યો , પણ હીંમત લાવી વળી અંદરના ઓરડાનું બારણું ઠોક્યું. બારણું બધું ન હતું, તેથી અંદર કાંઈ ન સંભળાયું એટલે ઉઘાડીને પોતે અંદર ગયો. પેલી નટીનું આ શયનગૃહ હતું — પ્રેમની પવિત્ર ભૂમિ હતી. એ સ્થલ, એ સ્થલની દેવતાને અનુરૂપજ હતું; ત્યાં એ બાલાના નિત્યકર્મમાંની નજીવી વસ્તુઓ પડેલી ન હતી; વા સામાન્ય રીતે ગરીબાઈને અંગે જણાતી કોઈ અવ્યવસ્થા પણ ન હતી. બધું શુદ્ધ અને સાદું હતું. સામાન તથા શણગાર બધાં ઉચા પ્રકારનાં છતાં સાદાં હતાં; થોડાંક પુસ્તકો સ્વચ્છ રીતે ગોઠવી રાખેલાં હતાં, ને કેટલીક પુષ્પમાલાઓ આમ, તેમ તે ઉપર ગોઠવેલી હતી. દૂધ જેવા સ્વચ્છ બીછાના ઉપર અને તેની પાસે પડેલાં કપડાં ઉપર સૂર્યનાં કિરણ રમી રહ્યાં હતાં, મા ત્યાં હતી નહિ — પણ પેલી બુઢ્ઢી ! તે પણ ન હતી ? એણે બુઢ્ઢીને બોલાવી બોલાવીને ગળું દુઃખવા આવ્યું. પણ એક પ્રતિશબ્દ સરખું એ ઉત્તર આવ્યું નહિ. થાકીને જેવો તે ઘરથી બહાર નીકળ્યો કે બુઢ્ઢીને સામેથી આવતી જોઈ. બીચારી ડોશીએ