પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
ગુલાબસિંહ.

ના શોખીન લોકમાં, નવો રાસ ને નવું ભજવનાર એ સાંભળતાંજ કેટલી ધામધૂમ થઈ રહી હતી. આ રાસ કોનો હશે ? એ કોઈના કળ્યામાં આવતું ન હતું, એ રાસનું નામ જેટલી સાવચેતીથી છુપું રાખી મૂક્યું હતું તેટલી સાવચેતી ગમે તેવી રાજખટપટ છુપાવવામાં પણ ભાગ્યેજ વાપરવામાં આવી હશે. આમ વાત ચાલી રહી હતી તેવામાં એક દિવસ સરદાર રાસભવનમાંથી ઘણો નાખુશ થઈને ઘેર આવ્યો. તે દિવસે રાસવાળાએ એને નોકરીમાંથી બરતરફ કર્યો; એમ ધારીને કે આ નવો રાસ, ને તે એની દીકરીએ ભજવાયેલો જોઈને એનું કાળજુ ઠેકાણે રહેશે નહિ. તે ઉપરાંત વળી તેઓએ એમ પણ ધારેલું કે એની બજાવવાની તરંગી રીતભાતથી પણ રાત્રીએ ગરબડાટ થઈ રેહેશે. જે રાત્રીએ, પોતાનાજ વાદિત્રનું તાદૃશ રૂપ એવી પોતાની દીકરી રંગભૂમિ ઉપર આવનાર છે તેજ રાત્રીએ પોતાની જગોપર કોઈ બીજો આવીને બેસશે એ વિચાર કોઈ પણ ગવૈયાના હૃદયને ભેદી નાખવાને પુરતો છે. એણે ઘેર આવતાં જ પોતાના સ્વભાવથી ઉલટી રીતે તુરતજ રમાને પૂછ્યું કે રાસ શાનો થવાનો છે, ને તારે કેઈ ભૂમિકા લેવાની છે ? રમાએ ગંભીરતાથી જવાબ દીધો કે મેં અમીરને વચન આપ્યું છે કે એ વાત હું કોઈને નહિ કહું, તેથી કહી શકતી નથી. સરદાર કાંઈ બોલ્યા ચાલ્યા વિના સરંગી લેઈને જતો રહ્યો, ને એના ગયા પછી તુરતજ ઘરના છાપરા પરથી કોઈનું હૃદય ચીરાઈ જતું હોય ને રડતું ને કકળતું હોય તેવા સ્વર સંભળાવા લાગ્યા.

સરદાર કવિનો પ્રેમ ઉપરથી જણાઈ આવે તેવો નહોતો. પોતાનાં છોકરાં આખો વખત ખોળામાં રમ્યાં કરે તેને જોઈને રાજી થયાં કરે એવા સંસારી અને લાડઘેલા માયાળુ બાપ જેવો એ નહોતો; એનાં મન અને જીવ તો પોતાની कलाમાં એટલાં બધાં ગિરફતાર થઈ ગયાં હતાં કે સંસારનાં સુખ એની નજર આગળથી એક સ્વપ્નની પેઠે ચાલ્યાં જતાં. સંસારને તો એ સ્વપ્નજ ગણતો, પણ તાદૃશ ખરી વાત કેવલ એક પ્રેમ અને તન્મયતાનેજ ગણતો. જે લોકો કેવલ માનસિક અભ્યાસમાં ગુંથાયા હોય છે તે આવાજ બની રહે છે; ગણિતશાસ્ત્ર ભણનારા વિશેષે કરીને. કોઈ ગણિતવેત્તા પાસે તેનો ચાકર દોડતો જઈને કહેવા લાગ્યો કે “સાહેબ ઘર બળવા લાગ્યું છે.” “બેવકૂફ જા તારી શેઠાણીને કેહે ” એમ તેણે જવાબ દીધો, ને પોતે જે હીસાબ ગણતો હતો તેની આગળ પાછો ગોઠવાઈને બેસતાં બોલ્યો કે “હું