પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
ગુલાબસિંહ.

કામ છે. મારે કેટલોક યોગાભ્યાસ કરવાનો છે તે ત્યાંજ ઠીક પડશે. મારી પાસે બે પૈસા છે ખરા, પણ ત્યાં તો એક દોકડોએ લઈ જવાની જરૂર નથી. આટલું સાંભળતાંજ મેં તેને સર્વ રીતની મદદ આપવાની કબુલત આપી અને તેની રખવાળીને માટે પ્રથમથી રૂપૈયા એક સો માગ્યા. તેણે પાધરાજ એથી બમણા મારા હાથમાં મૂક્યા અને એમ અમારો કરાર નક્કી થયો. આટલુંજ મને ખબર છે; મારે વધારે પૂછવાની શી પંચાત ? પણ મહેરબાન ! તમે તો બધું જાણતા હશો; જરા કહો તો ખરા, એ કોણ છે ? શું કરવા આવે ઠામે વસે છે ?”

“કોણ ? એણે પોતેજ તમને કહ્યું છે કે એ યોગી છે, વિરાગી છે.”

“હા, હા, સિદ્ધ – સિદ્ધ — ત્યારે તો માટીનું સોનું કરી દેતા હશે ? ગામમાં રહે તો લોક જીવ ખાય — હા, હા, સમજાયું હવે તેટલાજ માટે અહીંયાં ભરાયા છે.”

“બરાબર, એમજ છે.” લાલાજીએ સહજ કહ્યું.

“મને એમ લાગતું જ હતું; ને તમે એમના શિષ્ય હશો ?”

“એમજ.”

“ભલે, બા ભલે ! તમને પ્રભુ પાર ઉતારે; પણ એવા જાદુ ને ભૂત પ્રેતની સાધનાઓમાં મારો જીવ તો કહ્યું ન કરે, બે ગળાં કાપવાં હોય તો તે થાય, કે બીજું ગમે તે થાય, પણું એ ના થાય. છેવટ પગ લપસી પડે તો નરકમાંજ પડાય ! માટે જો જો ભાઈ સાવધાન રહેજો.”

“તમારે ભય રાખવાનું કારણ નથી. મારો ગુરુ બહુ જ્ઞાની અને વિવેકી છે. તે એવું કાંઈ કરે તેવો નથી. પણ અહો ! પેલું ભવ્ય ખડેર જણાય છે તેજ કે શું ? આવી પહોચ્યા !”

લાલાજી અતિ આનંદ પામી જરાક થોભ્યો; અને એની સહજ ચિત્રશક્તિના પ્રભાવે એ સ્થલની રચનાને નિરખવા લાગ્યો. સામેજ એક ભવ્ય દેવાલયનું શિખર આકાશ સુધી ઉંચું ઉભેલું હતું, પણ તેને ઉપર બરફના ઢગલા પડેલા હતા, અને તેનો પાયો જરાક દોદળો થવાથી તે એક તરફ સહજ નમી ગયું હતું. નીચેના ભાગમાં વિશાલ મંડપ હતો અને તે મંડપની જમણી બાજુએ તેવીજ વિશાલ ધર્મશાલા જેવી જગો હતી. વૃક્ષોનાં પાંદડાં, વેલાનાં ગુંચળાં, અને બરફના કટકાથી એ આખું મકાન છવાઈ ગયેલું હતું;