પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
ગુરુનો આશ્રમ.

નથી. મારૂં જીવિત તો જ્ઞાનમાત્રજ છે, અજ્ઞાનરૂપ વ્યવહાર તો મારા મનથી મરી ગયેલો છે.”

કોઈ બીજે પ્રસંગે, લાલાજીએ, ગુલાબસિંહે જે સમાજની વાત કરી હતી તે વિષે વાત છેડી; બોલ્યો કે “તમે અને ગુલાબસિંહ શંકરાનુયાયી રાજયોગી છો એમ હું માનું છું તે ખોટું નથી.”

“શું તું એમ ધારે છે કે આજ સાધનોથી આનું આ રહસ્ય શોધતા બીજા મહાત્માઓના સમાજ શંકરે પોતાના અનુયાયીઓને ઉપદેશ કર્યો તે પૂર્વે નહિજ થયા હોય ? એ વાત ખરી છે કે શંકરભગવાન્‌નો સિદ્ધાન્ત તે પ્રાચીન સિદ્ધાન્તવાળી ગુરુપરંપરાએ આવતાં વૃદ્ધમાં વૃદ્ધ શાખાનો છે એ રાજયોગીઓ પથરામાંથી સોનું બનાવવા ઈચ્છતા કીમીઆગરો કરતાં ડાહ્યા છે, પણ એમના પૂર્વજો એમના કરતાં એ ડાહ્યા હતા.”

“ત્યારે એ શંકરની પણ પૂર્વના સમાજમાંના કેટલાક છે ?”

“હાલ તો માત્ર બેજ, હું અને ગુલાબસિંહ !”

“અહો, બેજ ! ને તમે બેજ જણ આખી દુનીયાંને મૃત્યુથી બચી જવાની ગુપ્ત વિદ્યા શીખવવાની આશા કરો છો ?”

“તારા પૂર્વજમાંના એકને તે મળી હતી; પણ જે એકનેજ એ પોતાનું સર્વંસ્વ ગણતો હતો તેના ગયા પછી જીવવા કરતાં મરવુંજ એને સારું લાગ્યું. મારા શિષ્ય ! સમજ કે અમારી પાસે એવું તો કાંઈ નથી જેનાથી અમે મૃત્યુને અમારા રસ્તામાંથી દૂર કરી શકીએ, કે જગત્‌ની વ્યવસ્થામાંથી રદ કરી શકીએ. આપણે અહીં ઉભા છીએ તેવામાંજ, જો થનાર હોય તો, આ ચાર ભીંતોમાંજ હું કચરાઇ મરૂં. અમે જે કરી શકીએ તે એટલુંજ છે કે માણસના શરીરની સર્વ હકીકત સમજી, જુદા જુદા ભાગ કેમ સુકાઈ જાય છે, કેમ મરી જાય છે, ઈત્યાદિ વિચારી, બગાડ થતો અટકાવીએ, ને એમ કાલની અસરને જીતીએ. એમાં કશો જાદુ નથી, એ તે ખરી આયુર્વિદ્યા છે. અમે જે જ્ઞાનથી બુદ્ધિ આત્મપ્રવણ થાય તેને મુખ્ય ગણીએ છીએ, કે શરીરનો ધ્વંસ થતાં પણ આત્મસ્થ હોવાથી જ્ઞાની કદાપિ મરે નહિ શરીરને સ્થિર કરનારા જ્ઞાનને અમે ગૌણ માનીએ છીએ. પણ ઉભયનો ઉપયોગ સરખોજ છે. જેનાથી કાયિક બલ વધે, અને નિત્ય થતો ક્ષય અટકે, તથા પેલી ગુપ્ત શક્તિ જેના વિષે હાલ તને એટલુંજ કહ્યું કે તેનાથી મરી જતું જીવિત