પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
ગુલાબસિંહ.

માટે જે ભક્તિભાવ હતો તે પણ ઉડી ગયો. આટલું છતાં પણ એના અભિમાનથી ને એની કુતૂહલબુદ્ધિથી એને જે કરવાનું મન થાય તેમાંથી છૂટવા માટે એ વારંવાર આસપાસનાં જંગલોમાં ફરવા નીકળી જતો કે જેમ તેમ કરતાં શરીરના શ્રમથી વખતે મન પણ થાકીને ટાઢું પડે. એક દિવસ એ રીતે ફરતાં ફરતાં, આગળ જે ગામનું આપણે વર્ણન કરી ગયા છીએ ત્યાં લાલાજી આવી પહોંચ્યો.

જન્માષ્ટમીનો ઉત્સવ હતો, લોકો ટોળે મળીને નાચતા હતા ને ગાતા હતા. વર્ષાઋતુના સમયે પણ વાદળાં ન હોવાથી પાછલી રાત્રીએ ચંદ્રપ્રકાશ ખીલી રહ્યો હતો, ને જન્મ થવાનો સમય નજીક હતો. એ લોકમાં નીતિ તો કાંઈ હતીજ નહિ, એટલે તે આમ જાગરણ કરતાં પણ ગમે તેવી મોજમઝામાં આનંદ લેતા હતા. કૃષ્ણજન્મને નામે જે રાસ અને જે ખેલ રમાતા હતા તેમાં નીતિ સચવાય એવું હતું પણ થોડુંજ. કોઈ ગાંજાની ચલમોના ભડકા કરતા હતા, કોઇ ચંદ્રપ્રકાશમાં ચળકી રહેલું મદ્ય પીતા હતા, કોઈ સ્ત્રીઓ પણ ભાંગનો રગડો ગળે ઉતારતી હતી. કોઈ વિણા, કોઈ વાંસળી, કોઈ ઢોલક, એમ અનેક વાદિત્ર બજાવતા હતા, ને કોઈ કેફના ઘેનમાં પડતા આખડતા હતા ને નાચતા હતા. સ્ત્રીપુરુષ ભેગાં થઈ રાસ ખેલતાં હતાં, ને “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી” એમ ગ્રામ્યસ્વરે કૂદી કૂદીને બોલતાં, હાથમાં રાખેલા ડાંડીયા પરસ્પરથી ઠોકી નાચતાં જતાં હતાં. ઘણીક સ્ત્રીઓ કુંડે પડી હીંચ લેઈ લેઈને અનેક ગામડીઆ સુરમાં ધોળ ગાતી હતી. આ બધી આનંદરચના જોઈ લાલાજીને ઓછું આવ્યું કે સંસારમાં બંદીવાનના જેવું દુઃખ કોઈને નથી. કોઈ ખરા બંદીખાનામાં, તો કોઈ પોતાને હાથે કલ્પેલા બંદીખાનામાં, તો કોઈ લોકાપવાદના બંદીખાનામાં, એમ સર્વે દુઃખી છે. આવું સ્વતંત્ર સુખ મારા ભાગ્યમાં નથી જ ! આ વિચાર હજુ એના હ્રદયમાં ધીમે ધીમે સ્ફુરે છે એટલામાં ગુરુદાસ એને જોઈને દૂરથી દોડતો આવ્યો, ને “રામ રામ” કહી પાસે ઉભો. લાલાજી તેની સાથે વાતે વળગ્યો, પણ નજર તો ગુરદાસને હાથે એક લલિત લલના વેલીની પેઠે વીંટાઈ રહી હતી તેના ઉપર ઠરાવી રહ્યો. તે સ્ત્રી પણ અતિ નાજુક છતાં સર્વ કુલટાભાવનું ગૃહ હતી. તેનામાં જેટલું કૃત્રિમ બલ હશે તે બલ એકઠું કરી તેણે આંખથી એવો તીર ફેંક્યો કે લાલાજીનું કાળજું વિંધાઈ ગયું. એવામાં ગુરૂદાસે પૂછ્યું “મહેરબાન ! આપ આ રાસમાં ભાગ નહિ લો ! અત્યારે તો ગરીબ તવંગર સર્વ એક છે, આજના ઉત્સવમાં તમારે મળવુંજ જોઈએ.”