પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
કોઠી ધોવાથી કાદવ.


“તમને અડચણ કરી તેથી મને ક્ષમા કરજો” ગુરુદાસે કહ્યું. “પણ તમારા ગુરુએ આ પત્ર હવણાંજ મોકલ્યું તે તમને આપવા આવ્યો છું.”

લાલાજીએ પત્ર વાંચવા માંડ્યું: “મારી ધારણા કરતાં હું સાતેક દિવસ વહેલો આવીશ; એટલે કે કાલે મારે આવવાની રાહ જોજો. પછી તારે જે ઈચ્છા છે તે પ્રાપ્ત કરવાની કસોટીએ હું તને ચઢાવીશ; પણ ભૂલતો ના કે તેમાં પાર પાડવા માટે તારે કેવલ આત્મસત્તામય થઈ જવું જોઈશું; સ્થૂલમાત્ર પરાસ્ત થઈ નિરસ્ત થવું જોઈએ, એક પણ વિષયવાસનાનો ગંધ રહેવો જોઈએ નહિ. શાસ્ત્ર અને યોગનું તને જ્ઞાન ભલે હોય, પણ તારે તારા સ્થૂલનો પરાજય કરવો જ જોઈએ. મને આશા છે કે તું એવોજ થયો હશે. આપણે મળીએ ત્યાં સુધી હવે ઉપવાસ કરજે અને ધારણામાં રહેજે.”

લાલાજીએ તિરસ્કારયુક્ત સ્મિત કરી એ પત્રને ચોળીને ફેંકી દીધું. ઉપવાસ ! રાગદ્વેષનો ત્યાગ ! ફરી પણ માથું કૂટો ! રાગ વિનાનું યૌવન ! બહુ થયું ત્સ્યેન્દ્ર ! તું હવે હાર્યો છે; તારો શિષ્ય તારી મદદ વિનાજ તારા રહસ્યને લેવાનો છે.

“મહેરબાન ! આપની પ્રિયાના ઘરની પાસેથી જ હું આવ્યો; મેં એનો તમારા નામથી જરા ઉપહાસ કર્યો ત્યારે એ શરમાઈ ગઈ ને નિરાશ જેવી થઈ ગઈ !”

“વાહ ગુરુદાસ ! તમારો બહુ ઉપકાર થયો કે તમે મને એવું સારું ઓળખાણ કરાવ્યું. તમે બહુ આનંદમાં રહો છો.”

“આનંદનું શું પૂછવું ? જવાની છે ત્યાં સુધી ભય શાનું ? માત્ર રતિ, દારૂ, ને રમત !”

“બરાબર છે. રામ રામ, આપણે પાછા મળીશું.”

છેક બપોર સુધી લાલાજીના મગજમાંથી, જે નવીન આનંદ ઉદય થયો હતો, તેની છાયા ખશી નહિ. આસપાસનાં જંગલોમાં ફરવા ગયો, પણ ત્યાં એ, પોતે જ્યારે ચિત્રકાર હતો ત્યારે જે સ્વાભાવિક અને અકૃત્રિમ આનંદ અનુભવાતો તેની કાંઈક છાયા એને સમજાવા લાગી. સમષ્ટિનો આનંદ કાંઈક પોતાની સમીપ આવતો હોય એમ એને લાગ્યું, અને પોતાની વ્યષ્ટિ એ સમષ્ટિ સાથે એકતાર થઈ એકજ લયમાં પડી છે એમ જરા જરા એને સમજાતું ચાલ્યું. જંગલનાં વૃક્ષાદિની પેઠે એને નવીન જીવિત આવવાનો