પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
ગૃહસ્થાશ્રમ.

અતિ દૂરના વનમાંથી, કે કોઈ વિજન ગુફામાંથી, કે નદીના કોઈ અતિ એકાન્ત પ્રદેશમાંથી વારંવાર આવતો જણાતો. ઘણી વાર તો મધ્યરાત્રીએ શાન્ત સમય જોઈ પ્રયાગવડ નીચેજ બેશી રહેતો.

આવી રીતે રખડવામાં ગમે તે હેતુ હો, ગમે તે વાત સિદ્ધ કરવાની હો પણ એટલું તો નક્કીજ હતું કે માના સહવાસમાં જેમ જેમ દિવસ જતા ગયા તેમ તેમ એને જે એક તીવ્ર નિશ્ચય થયેલો હતો તે દૃઢતર થતો ચાલ્યો. લાલાએ ત્સ્યેન્દ્રને હાથે સમાધિસ્થ થતાં ગુલાબસિંહ અને માનું જે દર્શન કર્યું હતું તે પ્રસંગ રેખ રેખ યથાર્થ હતો, અને એ પ્રસંગ પછીની એકાદ બે રાત્રી પછીજ માને કાંઈક એમ લાગવા માંડ્યું કે કોઈ અવર્ણ્ય શક્તિ મારા જીવિતને છાઈ નાખવા મંથન કરે છે. જાણે કોઈ અદૃશ્ય બલ પોતાનાં મન બુદ્ધિ અને ઈચ્છાને વશ કરી લેઈ અન્યત્ર તાણી જવા ઈચ્છતું હોય તેવું માને ભાસવા માંડ્યું. પોતાના બાલપણમાં જોયેલાં તેવાં અસ્પષ્ટ પણ અતિસુંદર, અને વધારે સ્થિર તથા અસરકારક સ્વનદર્શન રાત્રી દિવસ ગુલાબસિંહ ન હોય ત્યારે થવા લાગ્યાં, પણ તે પાછાં તેની સમક્ષ તો ફીક્કાં પડી જઈ વિખેરાઈ જવા લાગ્યાં. ગુલાબસિહે સંચિત હૃદયથી આ બનાવ વિષે તેને પૂછવા માંડ્યું, પણ માના ઉત્તરથી એને સંતોષ થયો નહિ; ને કોઈ કોઈ વાર તે ગુંચવાડામાં પણ પડી જવા લાગ્યો.

એક દિવસ ગુલાબસિંહે કહ્યું “એવી અસંબદ્ધ પ્રતિકૃતિઓ અને નાચી રહેલા તારા જેવી આકૃતિઓ અથવા પેલાં મધુર ગાન જે તને બ્રહ્માંડના ગ્રહોપગ્રેહરૂપી વીણાના સ્વરૂપ જણાય છે, તેની વાત મારા આગળ કરતી ના. બધા કરતાં કોઈ એકાદ આકૃતિ શું તને સ્પષ્ટ જણાતી નથી ? કે કોઈ તારી પોતાનીજ ભાષાથી બોલતું હોય એવું તને લાગતું નથી ? તને કોઈ પોતાની સાથે વધારે આનંદકારક ભૂમિ ભણી દોરી જતું જણાતું નથી ? એકે આકૃતિ સ્થિર થતી નથી ? અને અલૌકિક ગુપ્ત વાતો કે ભવ્ય રહસ્ય વિષે પ્રેરણા કરતી જણાતી નથી ?”

“ના, ના, કાંઈ નથી ! એ સ્વપ્નમાં તો બધું અસ્તવ્યસ્ત જણાય છે, રાત્રીએ કે દિવસે બધો વખત કશું સ્પષ્ટ થતું નથી અને જ્યારે તારાં પગલાં સાંભળતાં હું સ્વસ્થ થઈ જાઉં છું ત્યારે કોઈ પ્રકારના સુખનું ભાનમાત્ર