પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
ગુલાબસિંહ.

છે ત્યારે સર્વના અવભાસક એવા વિશુદ્ધ પરસત્‌નો મને એવો સાક્ષાત્કાર સમજાય છે કે જે સ્થૂલસૃષ્ટિના અનંત ગોલના વ્યાપાર બુદ્ધિથી વિચારતાં પણ સમજાય નહિ.

“આપણા સંઘનો જે નિયમ છે કે અત્યંત વિશુદ્ધનેજ ગુપ્ત વિદ્યાનું રહસ્ય આપવું તે યોગ્ય છે. આપણા જ્ઞાનના આરંભક્રમની બહુ વિકટ કસોટી એજ ઠેકાણે રહેલી છે કે જે ઠેકાણેથી પ્રાપ્ત થતા સામર્થ્યને લીધે, વિકારી હૃદયને પાપ કરવાનાં અધિક પ્રસંગ અને સરલતા પ્રાપ્ત થાય છે. પાપી હૃદય આપણું સામર્થ્ય પામી શકે એમ હોત તો સૃષ્ટિમાં શો ગરબડાટ મચી જાત ! એમ નથી એજ બહુ યોગ્ય છે; વિકાર એજ સામર્થ્યને ક્ષીણ કરનાર છે ! તેં તારા શિષ્યોનાં ધૈર્ય કે બુદ્ધિ ઉપર જેમ ભરોસો રાખ્યો છે, ને તે પણ નિરતર વિજય સાથે નહિ. તેમ મેં તો સર્વથા વિજયની આશા સમેત મારો વિશ્વાસ રમાની વિશુદ્ધિ ઉપર બાંધ્યો છે, મત્સ્યેન્દ્ર ! તું મારો સાક્ષી છે કે મને ગુપ્તવિદ્યાનું રહસ્ય પ્રાપ્ત થયું ત્યારથી આજ પર્યંત અયોગ્ય કામમાં એ શક્તિ મેં કદાપિ વાપરી નથી. યદ્યપિ આપણા જીવિતતા અનંત યુગપર્યત લંબાયાથી આપણે કોઈ દેશ કે સ્થાનને આપણું કહી શકતા નથી; જે નિયમે, સર્વ વિદ્યા અને સર્વ કલા, માનુષજીવિતના તોફાની વિકારોમાંથી વિરક્ત થવામાંથીજ સિદ્ધ થાય છે, તેજ નિયમ યદ્યપિ આપણને મહોટાં રાજ્ય અને દેશનાં ભવિષ્ય ઉપર જે અસર સાધારણ વ્યક્તિઓ કરે છે તે કરતાં પણ અટકાવે છે; તથાપિ હું જ્યાં જ્યાં વિચર્યો હોઈશ ત્યાં ત્યાં મેં દુઃખને હલકું કરી આપવામાં અને લોકને પાપથી પાછા વાળવામાંજ મારા સામર્થ્યનો ઉપયોગ કર્યો હશે. મારૂં સામર્થ્ય પાપીનેજ હાનિકારક નીવડ્યું છે; અને એમ હોવાથી આપણું સામર્થ્ય ગમે તેવડું મહોટું કે સ્વતંત્ર મનાતું હો, તો પણ જે સર્વમયશક્તિ પોતાના અસ્ખલિત નિયમે યોગ્યાયોગ્ય વિતરે છે તેનાજ એક નિમિત્ત રૂપે આપણે સર્વથા વર્તીએ છીએ એ તો સિદ્ધજ છે, નાનામાં નાના જલબિંદુને પણ અનુરૂ૫ અસંખ્ય જીવની સૃષ્ટિથી ભરી દેનાર અને તુચ્છમાં તુરછ વનસ્પતિને મહા ઉગ્ર ગુણ અર્પનાર જે અવર્ણ્ય શક્તિ છે તેના આગળ આપણું સામર્થ્ય કોણમાત્ર છે ! બીજાના સુખ ઉપર અસર કરવાનું સામર્થ્ય છતાં, આપણા પોતાના ભવિષ્યનો વિચાર કરતી વખતે આપણી દૃષ્ટિ કેવી અંધ બની રહે છે ! આપણે આપણું ભવિષ્ય આંકી શકતા નથી ! મારા એકાન્તના અંધકારને તેજોમય કરનાર એક સ્મિત વદન, સાથે રાખવાની શક્યતાનો વિચાર હું કેટલા અનિશ્ચયથી બાંધી શકું છું !