પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
દૈવી અને માનુષી પ્રેમ.

પત્ર બીજામાંથી ઉતારા.

“એવા શુદ્ધ હૃદયને ઉપદેશ આપવા જેટલી શુદ્ધતા મારામાં નથી એમ સમજી, વિશ્વસ્વરૂપના જ્ઞાનનો કાંઈક અનુભવ કરાવનાર સાહજિક શક્તિ જે કાવ્યપ્રતિભા તે, દેવ અને શક્તિઓનો વિકલ્પ જેનાથી પ્રેરાયો છે તેવાં ઉપાસ્ય સત્ત્વોને, મારા શિષ્યનાં સહાય કરે એમ હું વારંવાર પ્રાર્થું છું. પરંતુ એ પણ એના અંતરાત્મા કરતાં ઓછાં વિશુદ્ધ નિવડ્યાં છે ! એની પ્રેમમયતા કરતાં ન્યૂન તન્મયતાવાળાં જણાય છે કે તે એને એના માનુષહૃદયની પાર લેઈ જઈ શક્યાં નથી, કેમકે એના હૃદયમાંજ એને એનું એક ખાસ સ્વર્ગ છે.

“હવણાંજ નિદ્રાશૂન્ય સ્થિતિમાં મેં એની નિરીક્ષા કરી — તે સમયે મારૂં નામ એના પ્રાણ સાથે આવિર્ભાવ પામતું જણાયું. અરે ! જે બીજાને આવું મધુર છે તે મારે મન અતિ વિષમય કડવું છે; કારણ કે મને એવો વિચાર આવે છે કે એવો સમય થોડા જ વખતમાં આવશે જ્યારે આ નિદ્રા નિતાંત સ્વપ્નરહિત થઈ જશે, જે હૃદયમાંથી આ નામોદ્‌ગાર ઉભરાય છે તે અત્યંત શીત પડી જશે, અને જે ઓષ્ઠથી તેનો વર્ણોચ્ચાર થાય છે તે કેવલ મુદ્રિત થઈ રહેશે. અહો ! પ્રેમનાં પણ કેવાં બે સ્વરૂપ છે ! જો સ્થૂલરૂપે જોઈએ, સ્થૂલમાત્રના તજ્જન્ય સંબન્ધ જોઈએ, પ્રેમથી માદતુલ્ય જ્વર અને તેની જ પછી થઈ આવતી કેવલ શુષ્ક અને નીરસ જડતા વિચારીએ, તો એ માનવું કેવું આશ્ચર્યકારક લાગે કે આ હૃદયાવેશ આખા જગત્‌ને ચલાવનાર છે, એણેજ મહોટામાં મહોટાં સ્વાર્પણ કરાવ્યાં છે, સર્વ સમયના સર્વ વ્યવહારને અસર કરી છે ! મધુરમાં મધુર અને ભવ્યમાં ભવ્ય પ્રતિભાએ પણ એના આગળ હાથ જોડી સેવા બજાવી છે ! એ વિના સુધારો, — ગીત, કાવ્ય, કાન્તિ, ટુંકામાં પશુ કરતાં ઉત્તમજીવિત, કશું હોઈ શકત નહિ ?

“પણ એનું દિવ્યરૂપ તપાસો — જેમાંથી સ્વ એ વિચાર સંપૂર્ણ ઉન્મૂલિત છે; — તેજ સ્વરૂપ જુઓ કે જેને આત્માની સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને મૃદુમાં મૃદુ એવી વિભૂતિ સાથે નિકટ સંબંધ છે. વ્યવહારમાં જે જે સ્વાર્થપરાયણતા છે તેનાથી ઉત્તમોત્તમતામાં એની શક્તિના આવિર્ભાવને અવલોકો — નીચ પૂજામાં ઉપયુક્ત મૂર્તિઓની પારનું એનું સામર્થ્ય અનુભવો – ઝુંપડીને પણ મહાલય બનાવી ત્યાં તન્મય થઈ રહેવાની, કે શૂન્ય અરણ્યને લીલો બગીચો બનાવી દેવાની, કે હિમાલયના ધવલગિરિ ઉપર પ્રચંડ સૂર્યાતપ વિસ્તારી પ્રકાશવાની એની ચમત્કૃતિમય ચાતુરીનો પ્રભાવ પેખો – તો ખરૂં આશ્ચર્ય લાગશે