પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
ગુલાબસિંહ.

કે કેમ આટલાં થોડાં જ મનુષ્ય એનું ખરૂં દેવીરૂપ સમજે છે ! જેને વિષયાંધ લોક પ્રેમસુખ કહે છે તે તો એના શુદ્ધરસની કલામાત્ર પણ નથી. શુદ્ધ પ્રેમ તે તો આવેશ કરતાં એક ભાવનામય મૂર્તિ છે. તેનું સુખ અમુક એક નથી, પણ વિશ્વમાં જે જે સુખ, જે જે વ્યાપાર છે તે બધા તેના પોતાનાજ છે એમ તેનો અનુભવ છે. અહો ત્સ્યેન્દ્ર ! શું એ વખત આવનાર છે કે જ્યારે મારે તારી આગળ માને ‘એક હતી’ એ રૂપે જ વર્ણવવી પડશે !!

*******

પત્ર ત્રીજામાંથી ઉતારા.

“તું જાણતો નહિ હોય કે હવણાં હવણાંમાં હું કોઈ કોઈ વાર મારી જાતને પૂછું છું કે “જે જ્ઞાનથી આપણે આપણી જાતિથી વિભિન્ન થઈ ગયા છીએ તેમાં પાપ તો નહિ હોય !” શું એ વાત ખરી છે કે જેમ જેમ આપણે ઉત્તરોત્તર ઉર્ધ્વગતિ પામતા જઈએ, જેમ જેમ સર્વમય પ્રેમાસ્પદનું પ્રેમત્વ આપણા જીવિતમાં અધિકતર ભળતું જાય, અને જેમ જેમ આપણે આનંદમાત્ર તે સ્થાનથી જ ઉતરતો સમજાય, તેમ તેમ જગત્‌ની અલ્પ આયુવેલીઓનું વિષમયત્વ આપણને વધારે વધારે નિર્વેદ આપવાવાળું થતું જાય ! પણ બીજી પાસાં જોતાં જે મર્ત્ય જગતમાં છતાં મરણથી મુક્ત રહે તેમનામાં કેટકેટલા ઉત્તમ ગુણો છેક મૃતવત્ થઈ જાય છે ! આત્મસ્થ થઈ સમાધિમાં લય પામવો, માત્ર સ્વાનુભવમય અને સ્વયંપ્રકાશ સન્માત્રની ભવ્યતા અનુભવવી, જેનાથી આપણાં હર્ષ ભયાદિ પરાર્થે પ્રવર્તે એવી આપણી પ્રકૃતિની ઉત્તમત્તાનો ત્યાગ, એ બધું, શું અતિ ઉગ્ર સ્વાર્યપરાયણ અહંતારૂપ નથી ? ભયથી અગમ્ય, જરાથી અપરિભૂત, ચિંતાથી વિમુક્ત, રોગાદિથી વર્જિત એવા રહેવું તેથી આપણા અભિમાનને આનંદ લાગે છે; પરંતુ તે પોતે પણ શું તેને વધારે નથી વખાણતો કે જે પોતાને પરાર્થે હોમ આપે ? અમને એકરસ કરી દેનાર હૃદયને ભસ્મ કરનાર ચિંતાથી પાછા હઠવું એ તો, એના પ્રેમમાં હું ગળ્યો છું ત્યારથી, મને એક પ્રકારનું બાયલાપણુંજ સમજાય છે. મને સ્પષ્ટ સમજાય છે મારા આત્માને સ્થૂલની છાયા લાગવા માંડી છે. તારી વાત ખરી હતી – શાન્ત, રાગશૂન્ય, અનન્ત જીવિત તે, તદનુરૂપ ઈચ્છા અને આવેશથી ઘેરાયેલા અનન્ત યૌવન કરતાં વધારે સુખમય છે. આપણે આત્મમય થઈએ ત્યાં સુધી એકાન્તમાં શાન્તિનું સાધન ઉપેક્ષા એજ હોવું જોઈએ.

*****