પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
ગુલાબસિંહ.

ભજવતી હતી તે કરતાં બીજા બધા વિચાર – પ્રેક્ષકોનો સમૂહ, તેમની ઉદાસીનતા, પોતાના હૃદયનું ભય સર્વ – ભુલી ગઈ. પોતાને નિરૂપણ કરવાના વિષયમાં જે તન્મયતા થઈ ગઈ હતી તેમાં પેલા પરદેશીની દૃષ્ટિએ વધારો કર્યો; માને એમ લાગવા માંડ્યું કે તેની ગંભીર ભ્રૂકુટી અને તેજોમય દૃષ્ટિથી કોઈ વાર પણ ન અનુભવેલું એવું બલ પોતાનામાં આવવા લાગ્યું છે; અને આમ થવાથી ઉભરાઈ જતી વૃત્તિઓનું વર્ણન કરવાના શબ્દો તે શોધતી હતી. એટલામાં, એ માણસ પોતેજ જાણે તેને કરવાનું ગાન અને તે ગાનની મધુરતા સૂચવતો હોય એમ એને જણાવા માંડ્યું. આંખે આંખ વચ્ચે બંધાયલા અદૃશ્ય તાર મારફતેજ એ મધુરપ્રેરણાના સંદેશા આવવા જવા લાગ્યા.

જ્યારે બધું થઈ રહ્યું અને તેણે પોતાના પિતાને આનંદની રેલમાં તણાતો જોયો ત્યારે આ જાદુની અસર તેના મન ઉપરથી ખશી. તથાપિ રંગભૂમિ ઉપરથી જતે જતે પોતાની મરજી ન છતાં પણ માએ પાછું વાળીને જોયું; તેજ વખતે પેલા પરદેશીનું ગંભીર પણ કાંઈક ખેદયુક્ત મંદસ્મિત તેના હૃદયમાં એવું તો જડાઈ ગયું કે પછીથી પણ તેનું આનંદ અને ખેદસહિત સ્મરણ તેના હૃદયમાંથી નીકળી શક્યું નહિ.

આજ સુધી પોતે તથા આખું દીલ્હી શેહેર બન્ને આવી શુદ્ધ રસજ્ઞતાની બાબતમાં મહોટા ભુલાવામાં પડેલાં હતાં એમ સમજી આશ્ચર્ય પામતા વૃદ્ધ અમીરે કરેલાં ઉત્સાહપૂર્વક અભિનંદન;– આવી અપૂર્વ કાન્તિ અને ચતુરાઈથી મોહ પામી ગયેલા ફક્કડ લોકનાં રંગભૂમિ પાછળ ભેગાં મળેલાં ટોળાંમાંથી નીચી નજરે અને શાન્ત મનથી ચાલી જતી વખતે કાનમાં પડેલા પ્રેમાનંદના મૃદુ સ્વર; –તારાના ઝાંખા અજવાળાથી પ્રકાશિત અને ઉજ્જડ મેદાનમાં થઈ અમીરની ગાડીમાં આવતાં પિતા પુત્રીનું રસમય આલિંગન; –તારી વ્હાલી માતાનાં આનંદનાં આંસુ; –તથા તારી માનીતી અને પ્રિય દાસીની ખુશીને લીધે થઇ આવતી ઘાલ મેલ; –અને તારા પિતાએ સરંગીમાંથી જે બધું થઈ ગયું તેનો તાદૃશ ઉભો કરેલો દેખાવ; –આ સર્વની દરકાર ન કરતાં, અરે મા !વિલક્ષણ મા ! તું એકાન્તમાં લમણે હાથ દઈ આકાશ ભણી નજર કરી કેમ બેશી રહી છે ? ઉઠ ઉઠ, આજ રાત્રીએ તો તારા ઘરમાં સર્વના મોં ઉપર આનંદ આનંદજ હોવો જોઈએ.