પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
સ્થાનાન્તર.

રાખ્યાં જાય તેવાં દર્શનોમાં ગુજરે છે. આકાશગામી ગંધર્વો ! હું તમને પૂછું છું કે તમારા પોતાના કરતાં એ દર્શનો વધારે સુખરૂપ નથી ?

બન્ને કિનારા ઉપર ઉભાં છે, અને આથમતા સૂર્યની શોભા નીહાળે છે. આ સ્થલમાં તે કેટલા વખતથી રહે છે ? ગમે તેટલા વખતથી હોય; મહિના, વર્ષ, તેનો શો હિસાબ છે ! મારે અથવા તેમણે એ આનંદમય સમયનો હીસાબ શા માટે રાખવો ? એક ક્ષણમાત્રના સ્વપ્નમાં કલ્પના કલ્પ વહી ગયા લાગે છે તેજ હીસાબે આપણે અગાધ આનંદ તેમજ અગાધ શોકનું માપ કાઢવું; અથવા સ્વપ્નની જેટલી લંબાઈ જણાય છે તેટલી લંબાઈથી, કે સ્વપ્નમાં જેટલી જેટલી વૃત્તિઓના ઉદયાસ્ત થાય છે તેટલી વૃત્તિઓના માપથી, આ સમયનું પણ માપ લેવું.

સૂર્ય ધીમે ધીમે ઉતરતો જાય છે. હવા સૂકી જણાય છે, ને બંધ હોવાથી બહુ ઘામ લાગે છે; પાણી ઉપર મછવા સ્થિર પડી રહ્યા છે; પૃથ્વી ઉપર એક પાંદડું પણ હલતુ નથી.

મા ગુલાબસિંહની વધારે પાસે આવી; પોતાથી ન સમજી શકાય એવું કાંઈક એના મનમાં આવ્યું જેથી હૃદય વધારે જોરથી ધબકવા લાગ્યું; અને ગુલાબસિંહના વદન તરફ જોતાં તેની આકૃત્તિ એને આશ્ચર્યકારક લાગી; તે ચિંતાતુર, ભાવનાગ્રસ્ત, વ્યાકુલ, હતી.

“આ મૌન અને આ શાન્તિથી મને ભય લાગે છે” એ બોલી.

ગુલાબસિંહે આ વાક્ય સાંભળ્યું હોય એમ લાગ્યું નહિ. એ પોતાના મનમાંજ કાંઈક બબડ્યો, એની આંખો ચોતરફ ચકલ વકલ ફરતી જણાઈ મા કાંઈ સમજતી ન હતી કે શાથી એમ થવા લાગ્યું, પણ હવામાંજ કાંઈક ધારી ધારીને જોતી હોય તેમ તીવ્ર વિસ્તૃત આંખો, અને કોઈ અજાણી ભાષામાં બોલાયલા પેલા શબ્દ, એનાથી માને પાછા ગુલાબસિંહ વિષેના પૂર્વના વહેમ જાગ્રત્ થયા. જ્યારથી એણે જાણ્યું હતું કે હું હવે માતા થઈશ ત્યારથી એની પ્રકૃતિ જરા વધારે ભયશીલ થઈ હતી. એ પ્રસંગજ સ્ત્રીના જીવિતમાં, તેના પ્રેમમાં, વિલક્ષણ, અલૌકિક છે ! અદ્યાપિ સુધી અસ્તિત્વમાં પ્રત્યક્ષ ન થયેલું એવું કાંઈક, જે હજી તેના હૃદયનો સાર્વભૌમ અધિષ્ઠાતા છે તેના પ્રતિસ્પર્ધીરૂપે એ હૃદયના પ્રદેશમાં ભાગ પડાવા લાગે છે !

ગુલાબસિંહ ! મારા તરફ નજર કર” માએ તેનો હાથ ખેંચી કહ્યું. ગુલાબસિંહ તુરત ફર્યો. “મા ! તું ફીકી ફીકી પડી ગઈ છે ! તારો હાથ ધૃજે છે !”