પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
ગુલાબસિંહ.

પડી રહી, લીલી વેલોથી છવાઈ રહેલા શાન્ત ઘર તરફ દૃષ્ટિ કરીને પાછો આ જવાન પેલી નટીના ચંચલ અને ગભરાયલા વદન તરફ જોવા લાગ્યો.

“ઠીક છે” તે બોલ્યો “જેનું મન અવિકૃત છે તેને તે મનજ ખરે રસ્તે દોરી જાય છે; તે રીતે ચાલી જા અને સુખી થા. રમણીય ગાયક ! હું રજા લઈશ.”

“પધારો મેહેરબાન, પણ–” એમ, મનમાં ન સમાઈ શકે તેવા ભય અને આશાના બલે કરી તે આતુરતાથી બોલી “હું તમારાં દર્શન ફરી પામીશ ! નહિ વારું ? – એ રંગભૂમિ ઉપર જ !”

“નહિ, થોડા વખત સુધી તો નહિજ; કેમકે આજ દિલ્હીથી બહાર જાઉં છું.”

“ખરે !” એમ કહેતાંજ માનું હૃદય વિંધાઈ ગયું, રંગભૂમિનો સઘળો આનંદ ઉડી ગયો.

તે પરદેશી જતાં જતાં પાછો ફરી, પોતાનો હાથ રમાના માથા ઉપર ધીમેથી મેલી બોલ્યો “અને કદાપિ આપણે મળીશું તે પહેલાં તારા ઉપર દુઃખ આવી ચૂક્યું હશે; –સંસારમાં દુઃખ શું છે તેની તીવ્રતાનો પ્રથમ અનુભવ તને થયો હશે; –દિલમાં જે ઘા લાગે છે તેને કીર્તિથી પ્રાપ્ત કરેલો આનંદ કેટલો રૂઝવી શકે છે એ પણ તેં જાણ્યું હશે; પણ બાલા ! ધીરજ રાખજે અને ગભરાઈશ નહિ, કશાને વશ થઈશ નહિ, આખરની ભેદભક્તિમાં પણ પકડાઈશ નહિ. તારા પડોશીની વાડીમાંનું પેલું ઝાડ જો. જો તે કેવું વાંકું ચૂંકું, અંબળાતું અકડાતું ઉગેલું છે. કોઈ અકસ્માત્‌ પવનથી એનું બીજ આવીને આ ખડકમાં ૫ડ્યું, અને પથરાથી ને મકાનોથી સ્વાભાવિક રીતે તથા માણસની મેહેનતથી સર્વ રીતે બંધાઈ જવાને લીધે એનું આખું જીવતર જે પ્રકાશ એ જાતિનાં પ્રાણ અને પોષણ છે તે પામવા માટેની લડાઈરૂપ થઈ પડ્યું, એણે કેવા વળ ખાધા છે ને ઉગતે ઉગતે જ્યાં અડચણ નડી ત્યાંથી બીજે રસ્તે અંબળાઈ અંબળાઈને પણ આખરે કેવું આકાશ સુધી પહોંચી ગયું છે ! તારી પાછળ જેના વેલા પરિપૂર્ણ સૂર્ય પ્રકાશ પામી ખીલી રહ્યા છે તેના જેવુંજ એ પણ, જન્મની તથા સ્થિતિની આટલી આટલી અડચણો છતાં શા કારણથી બની રહ્યું છે ? પ્રિય બાલા ! એનામાં રહેલી જે પ્રેરણાથી એ યુદ્ધ ચાલતું હતું તે પ્રેરણાથીજ પ્રકાશ