પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
ગુલાબસિંહ.

પામવા માટેની લડાઈ આખરે પ્રકાશ સુધી લેઈ ગઈ. ધીર માણસોનાં હૃદય પણ એમજ કરે છે. પ્રત્યેક દુઃખદાયક વિપત્તિમાં અથવા પ્રારબ્ધના કઠિન પ્રસંગમાં તે પરમ જ્યોતિ તરફ દૃષ્ટિ રાખે છે, પરમ ધામ પર નિશાન માંડે છે. આમ કરવાથીજ દૃઢ મનના માણસોને જ્ઞાન મળે છે, અને સાધારણ લોકને સુખ મળે છે. આપણે ફરી મળીશું તે પહેલાં એ વૃક્ષની શાન્ત ડાળીઓ તરફ તારે રોતી નજરે અને ભર્યે હૈયે જોવાનો પ્રસંગ આવશે; અને જ્યારે તેવે કાલે એની ગટામાંથી પક્ષીઓનું ગાન તારા કાનમાં પડે, અને ચારે તરફથી એનાં પાંદડાં ઉપર રમી રહેલો સૂર્યપ્રકાશ તારી દૃષ્ટિએ ચઢે, ત્યારે સમજજે કે વિરાટરૂપ સર્વવ્યાપી ભગવાન્ પોતે, એમ પ્રત્યક્ષ થઈ, તને ઉપદેશ કરે છે કે એ પ્રમાણે અંધકારમાંથી અજવાળામાં જવાને પ્રયત્ન કર.”

આ બોલવું પૂરૂં થતાની સાથે તે ધીમે ધીમે ચાલવા લાગ્યો; મા તો મૂઢ બની જઈ જે દુઃખરૂપ ભવિષ્ય એણે કહી બતાવ્યું તેના વિચારથી દિલગીરીમાં ગરક થઈ ગઈ; દિલગીર છતાં પણ આનંદ પામવા લાગી. અજાણતાં જ એની દૃષ્ટિ તેની પાછળ જવા લાગી, અજાણતાંજ તેણે પોતાના હાથ તેને બોલાવવાના ઈરાદાથી ઉંચા કર્યા એને પાછો ફેરવે, એનો ધીમો શાન્ત અને મધુર સ્વર સંભળાવે, એના હાથનો આનંદજનક સ્પર્શ ફરી કરાવે, તેને મા મોટાં રાજ્યનાં રાજ આપી દે. જેમ સ્થલે સ્થલે પડતા ચંદ્રપ્રકાશથી તે તે સ્થલ આલ્હાદકારક જણાય છે તેવી એ પરદેશીની નજર હતી; જેમ ચંદ્રપ્રકાશ દૂર થતાં પ્રતિવસ્તુ હોય તેવી નજીવી ને નકામી જણાય છે તેમ એના જવાથી જગત્‌માત્ર માને ભુલાઇ ગયું.

તે પરદેશી ચાલતો ચાલતો મોહોટા ગામ વચ્ચેના બાગની સામે આવેલા મેહેલ આગળ જઈ પહોંચ્યો. એક મકાનનો દરવાજો તે દિવસોમાં પૈસાદાર અને ઉંચા કુલમાં ચાલી રહેલી જુગારની રમત માટે ખુલ્લો હતો. તેની આગળ રખડતા જવાન અને વહી ગયેલા રાજપુરુષોના ટોળામાં થઇને જેવો તે ચાલ્યો તેવા સર્વે તેને રસ્તો આપવા લાગ્યા.

“અલ્યા નક્કિ” એક જણ બોલી ઉઠ્યો “આખું ગામ જેની વાત કરી રહ્યું છે તે ગુલાબસિંહ તો પેલો ન હોય ?”

“લોકો કહે છે એની પાસે તો અખૂટ દોલત છે !”