પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
ગુલાબસિંહ.

“કોણ એમ કહે છે, લોક કહે તેમાં શું ? એની ખાત્રી શી છે ? દીલ્હીમાં આવ્યાને એને ઘણા દિવસ થયા નથી, તેમ કોઈ એવું માણસ પણ જણાતું નથી કે જે એની જાત ભાત, વતન અથવા જાગીર કે દોલત વિષે કાંઈ જાણતું હોય.”

“એ ખરૂં, પણ કહેછે કે એ એક મોહોટા વહાણમાં આવેલો છે ને તે એનું પોતાનું જ છે, જો પેલું રહ્યું – ના, ના; જરા આઘે છે. જે નાણાવટીઓ સાથે આપ લે કરે છે તે લોકો પણ એણે જે પૈસા તેમને આપેલા છે તેની વાત ઘણા આશ્ચર્ય સાથે કરે છે.”

“પણ એ આવ્યો ક્યાંથી ?”

લંકાના કોઈ બંદરથી આવ્યો છે. મારા ચાકરે એના ખારવાને પૂછી જોયું તો તેમણે કહ્યું કે એ ઘણાં વર્ષ સુધી ત્યાં રહેલો છે.”

“મેં સાંભળ્યું છે કે લંકામાં તો કાંકરાને બદલે પણ સોનું હાથ આવે છે. અને એવી પણ ત્યાં ખાણો છે કે જેમાં પક્ષીઓ પોતાના માળા ઝવેરથી બાંધે છે કે પ્રકાશમાં ઝંખવાઈને આવતાં જીવડાં જલદીથી ઝાલી શકે. અહો પેલો આવ્યો ! આપણો જુગારીઓનો રાજા હમીર, એણે તો નક્કી આવા પૈસાદાર અમીર જોડે ક્યારનું ઓળખાણ કરી દીધું હશે. જેમ ચુંબકમણિ લોહ તરફ ખેંચાય તેમ એ સોના તરફ દોડે એવો છે. કેમ હમીર ! ગુલાબસિંહની મોહોરોની શી ખબર છે ?”

“અરે મારો દોસ્ત…”

“ઓહો જુઓ જુઓ એનો દોસ્ત, હાં શું ?”

“હા, હા, મારો દોસ્ત ગુલાબસિંહ અહીં પહેલોજ આવ્યો છે તેથી થોડો સમય દરીકેદારની જાત્રાએ જનાર છે, પાછો આવશે ત્યારે એણે મારે ઘેર જમવા આવવાનું કબુલ કરેલું છે, તે વખતે હું તમને તથા દીલ્હી શહેરના બીજા ઉમરાવોને પણ એનું ઓળખાણ કરાવીશ. ઓહો શો ખુશ મિજાજવાળો અને મળતાવડા સ્વભાવનો ગૃહસ્થ છે જો !”

“તારે ને એને એકદમ દોસ્તી ક્યાંથી થઈ ગઈ ?”

“એમાં શું હતું, એ તે દિવસે રાસ જોવા આવ્યો ત્યાં એને બેસવાની જગો જોઈતી હતી, પણ નવો રાસ અને નવા ભજવનારની વાત