પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૨
ગુલાબસિંહ.

તથાપિ તેમના જ્ઞાનનો પરમાનંદ તો आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्य वच्चैनमन्य शृणोति' એવા કઠોપનિષદનુસાર ગીતાવચન પ્રમાણે આશ્ચર્યભક્તિ, અને ભજનમાંજ સમાઈ રહેતો હતો. आत्मारामापि मुनये: निर्ग्नन्था अप्युरुक्रमे कुर्वन्त्यहैतुकी भक्तिमित्थं भूतगुणो हरि:॥ આત્મામાંજ એવું તત્ત્વ રહેલું છે કે જે બાહ્યવિશ્વમાત્ર કરતાં બલવત્તર હોઈ, જગત્‌ની રચનામાત્રની પાર જઈ આપણને અનંત બ્રહ્માંડના એકરસ આનંદધનમાં ઝબકોળી શકે છે. જીવ જ્યારે પોતા કરતાં અધિક સત્ત્વવાળા જીવ સાથે યોગ કરે છે ત્યારે તે જે સ્થિતિમાં બંધાઈ રહેવું પડ્યું હોય છે તેમાંથી મુક્ત થઈ અધિક કરતાં અધિકતર ભણી આકર્ષાય છે, અને આત્મબલના આવા આકર્ષણના નિયમે અધિકાધિક આકર્ષણ પામતાં પરમ અભેદમાં વિલીન થઈ શકે છે. ત્યારે સમજ કે આવા મહાત્માઓને મરણથી પણ છૂટા થઈ જવાની વાત હાથ આવી, મિત્ર શત્રુ સર્વેમાં થઈ નિર્ભ્રાન્ત ચાલ્યા જવાની યુક્તિ પ્રાપ્ત થઈ, अहौ वा हारे वा એ પ્રત્યક્ષ થયું, અમે આવી રીતે મૃત્યુથી મુક્ત થઇ, અમર, ચિરંજીવ, થયા; પણ મૃત્યુથી જ નિર્બલતા, દોષ, આદિ મલ અને વિક્ષેપમાત્રનું ક્ષાલન થઈ શકે છે તે વાત અમે અમારા આનંદમાં વીસરી ગયા–”

આ વ્યાખ્યાન તો લાલાજીએ જે ધાર્યું હતું તે કરતાં કાંઈક જુદું જ નીકળ્યું, એટલે તે અવાચક થઈ સ્તબ્ધ બની રહ્યો, અને ક્ષણ પછી બોલ્યો “ત્યારે, મને શા સારુ—"

“તને શા માટે ?” ગુલાબસિંહે કહ્યું “ શા માટે રક્તબીજ અને અનંત ક્લેષ પ્રાપ્ત થયાં ? મિથ્યાભિમાની મનુષ્ય ! સામાન્યમાં સામાન્ય તત્ત્વોનો જ વિચાર કર. પ્રત્યેક શિષ્ય માત્ર પોતાની ઈચ્છાથી જ તુરતને તુરત, ગુરુ થઈ શકે છે ?— અષ્ટાધ્યાયી લખી લીધી એટલે પાણિનિ થઈ જવાય છે? બે ચાર શ્લોકો રચતાં આવડ્યા એટલે કાલિદાસ કે વાલ્મીકિ થઈ જવાય છે? ‘અહં બ્રહ્મ’ કહેતાં આવડ્યું એટલે શંકર કે વ્યાસ થઈ જવાય છે?—અરે ! આ મ્લેચ્છો અત્યારે જે સિદ્ધ થવાની વાતો કરે છે તે તરવાર અને તિરંબાજીથી થનાર છે? જે અંધેરને તે ઉખાડી નાખવાનું અભિમાન ધરે છે તેને સ્થાને બીજાં અંધેર કરતાં એમનાથી બીજું શું નીપજવાનું છે ? જે પ્રાચીન સમયની હું વાત કરું છું તેમાં, જે મનુષ્યને, તું જે ટોચ ઉપર એક કૂદકેજ જવા ઇચ્છે છે તે ટોચે પહોંચવાની ઈચ્છા હોય તેને, ગળથૂથીમાંથીજ યોગાભ્યાસ આરંભાવવો