પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૮
ગુલાબસિંહ.


આજ્ઞા કરી શકે તેવા અધિકારીના સામર્થ્યથી તને આજ્ઞા કરું છું કે હું કહું તે મને બતાવ, મારી વિદ્યા યદ્યપિ અત્યારે મને કામ આવતી નથી, જેનો મને આધાર હતો તેજ મને અત્યારે મારે છે, તથાપિ એટલી મને ખાતરી છે કે જેના વિશે હું પૂછું છું તે જીવ જલ્લાદના હાથથી તો બચવાનોજ છે. એના ભાવિ ઉપર તું અંધકારનો પડદો નાખી શકશે, પણ તે ભાવિને તું નિયમી શકે એમ નથી. તું વિષનો ઉતાર બતાવી શકે, પણ વિષ યોજવાનું તારામાં સામર્થ્ય નથી. તેને ગમે તેવો પરિતાપ કરીને પણ તારી પાસેથી વાત કઢાવ્યા વિના હું રહેનાર નથી. હું આ તારી પાસે આવું, તારી આંખો સામે સ્થિર અસ્ખલિત દૃષ્ટિએ જોઉ, તું શું કરનાર છે. પ્રેમમાં પડેલો આત્મા ગમે તે કરી શકશે. એકદમ બોલ, તને આજ્ઞા કરૂં છું.”

પિશાચ વિખેરાઈ જવા લાગ્યું, પાછું પડવા લાગ્યું; સૂર્યના પ્રકાશથી વીખેરાઈ જતા ધૂમસની પડે એ આકૃતિ વીખેરાઈ જવા લાગી, અને તારાનું પુનર્દર્શન થવા લાગ્યું.

ઘણે દૂરથી આવતા હોય તેવા સ્વરથી ક્તબીજે કહ્યું હા, તું એને જલ્લાદના હાથમાંથી ઉગારી શકશે, કેમકે ‘પોતાનું અર્પણ કરનાર પારકાંને બચાવી શકે’ એવું વચન છે.” આટલું કહેતાની સાથેજ પાછી એ આકૃતિ વધારે ગાઢ થઈ અને હસતે હસતે બોલવા લાગી “તારી પોતાની આહુતિ આપવાથી તું એને બચાવી શકશે. મનુષ્યજાતિને અનંત કલ્પો વહી ગયા છતાં તું જીવનને સાચવી રહ્યા છે તે શું એટલાજ માટે ? છેવટ શું મરણજ તને પાછું પોતાને હાથ કરી લેશે ? તારે એને બચાવવી છે ? – એને સાટે તું મર, કેમ તેયારી છે ?”

“બસ, નીકળ; કેમકે તારે શ્રવણે પણ ન આવી શકે એવા ઉંડા સ્થાનમાંથી મારો આત્મા તારા પ્રશ્નનું ઉત્તર આપતાં પોતાના સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત કરે છે, અને મોહમાત્ર નષ્ટ થઈ જતાં શિવસ્વરૂપના આગમનના મને મણકા વાગે છે.”

દિવ્ય શિવપ્રકાશની શાન્ત અને ભવ્ય તથા ગાઢ ઉર્મિઓ આખા ઓરડામાં વિલસવા લાગી, યોગિરાજના વદન ઉપર અતુલ આર્દ્રવભાયુક્ત તેજનો ભભકો વિકસી રહ્યો. જે સ્થાને તે પ્રેમમૂર્તિની પ્રતીતિ થતી હતી ત્યાંથી તે છેક આકાશ સુધી, આકાશમાંના તારા સુધી, પ્રકાશમય એ એક માર્ગજ જાણે હજી પણ બંધાઈ રહ્યો હોય, ચમકી રહ્યો હોય, એમ જણાતું હતું.