પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ગુલાબસિંહ.

પણ પોતાની મરજી મુજબના વિચાર ઉપર ચઢાવવાનું યોગ્ય અને સરલ ધાર્યું. આઠ વર્ષનો થયો એટલામાં તો એ છોકરો જ્ઞાન અને તર્ક અને સદ્‌ગુણની વાતો કરવા લાગ્યો, અને બુદ્ધિમાન્‌ પણ જણાવા લાગ્યો. એનું મન કોઈ પ્રકારના હુન્નર તરફ વધારે વળવા લાગ્યું. આ બાલકને માટે કોઈ શિક્ષક શોધવા માંડ્યો, અને શોધતાં એને કોઈ એવો નાસ્તિક હાથ લાગ્યો કે જે સર્વ લક્ષણે સંપૂર્ણ તથા ઘણો વિષયી અને અશ્રદ્ધાલુ તથા શાસ્ત્રવિમુખ નીવડ્યો. જેવા ગુરુ તેવા ચેલા પણ થવા માંડ્યા; તથાપિ પણ ચેલાની શરીરની ખોડો એટલી બધી હતી કે તેથી તેને બહાર હરતા ફરતાં પણ શરમ આવવા માંડી. એના બાપને સ્થાને થયેલા વૃદ્ધ પુરુષે ઘણાએ જ્ઞાનના ઉપદેશ સમજાવી સમજાવી એના મનમાંથી સ્વાભાવિક રીતે જે બન્યું તેનો ક્ષોભ કાઢી નાખવા મેહેનત કરી જોઈ પણ તેથી કાંઇ વળ્યું નહિ. જ્યારે છોકરે ડોસાને કહ્યું કે આ જગત્‌માં પૈસાની બલીહારી છે, હજારો અપલક્ષણ, એથી દશ ગણી શરીરની ખામીઓ અને એનાથી સહસ્ત્રગણું વૈકલપણું સર્વ દ્રવ્યની પીછોડીથી ઘણી સારી રીતે ઢંકાઈ શકે છે ત્યારે એનો આત્મા પ્રફુલ્લિત થયો અને એના મનને સંતોષ વળી ગયો. આખા જગત્‌માં જે વસ્તુ ઉપર પેલા ડોસાને પ્રીતિ હતી તે વસ્તુને જે વાતમાં આનંદ આવે તે કરવાને પોતે તત્પર થાય એમાં શી નવાઇ ! આ વાત સાંભળી ત્યારથી પૈસા પૈસા ને પૈસાજ ડોસાની નજરમાં વસી ગયા, અને જે તે રીતે પોતાના પ્રિયપુત્ર માટે ઘણો ભારે વારસો મૂકી જવાય તેવી ગોઠવણ તેણે કરવા માંડી. આમ કર્યાનો હેતુ હાલ ખરેખરો કૃતાર્થ થયેલો આપણે જોયો !

“પણ એ સાજો તાજો બચી ગયો એથી હું ઘણો રાજી છું.” વૃદ્ધ ડોસે પોતાની આંખમાંથી પાણી લોહી નાખતાં કહ્યું “કદાપિ એણે મને છેક ભીખારી બનાવી દીધો હોત તો પણ હું એને પકડાવવાનો પ્રયત્ન કરત નહિ.”

“નજ કરવો જોઇએ, કેમકે તમેજ એને આ બધાં પરાક્રમ ભણાવેલાં છે.”

“મેં ! હું અને વારંવાર સદ્‌ગુણનો આનંદ વર્ણવી બતાવતો, તમે ભુલો છે, જરા વધારે સ્પષ્ટ કહો.”

“અરેરે ! તારા શિષ્યની ગઇ રાતની વૃત્તિ ઉપરથી પણ જ્યારે તને આ વાત સ્પષ્ટ નથી થઈ શકી, ત્યારે તો આકાશમાંથી કોઈ દેવ આપીને તને ઉપદેશ કરે તો પણ વ્યર્થ છે.”