પૃષ્ઠ:Gulabsinh.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ગુલાબસિંહ.

આટલું બોલતાંજ એનું આખું શરીર પથ્થર જેવું અક્કડ થઈ ગયું. એની મુખાકૃતિ પણ છેવટ બદલાઈ ગઈ. જમીન ઉપર ધબ દઇને પડ્યો, તાર પણ– શરીરરૂપ વાદિત્રના તાર પણ — તૂટી ગયા, જેવો પડ્યો તેવોજ તેને ઝભ્ભો પેલા પુષ્પના મુકુટને પણ લેતો પડ્યો, પણ તે આ મુવેલા માણસને હાથ આવે તેટલો નજીક પડ્યો નહિ.

ત્રુટી ગયેલું વાદિત્ર—વિખેરાઈ ચૂરા થઈ ગયેલું હૃદય, સૂકાઈ ગયેલો પુષ્પમુકુટ—આ સર્વ ઉપર લીલી વેલીથી છવાયલી જાળીમાંથી સાંજના સૂર્યનાં મંદ મંદ કિરણ ઝળકી રહ્યાં હતાં. એમજ અવિનાશી પ્રારબ્ધનો વિશ્વક્રમ માણસના જીવતરને જ્વલિત કરનાર મહા પદાર્થોના પરાભવનો ઉપહાસ કર્યાંજ જાય છે ! સૂર્ય પણ કોઈ સ્થલે આમજ ભંગ થઈ ગયેલા ગાન ઉપર કે કરમાઈ ગયેલા પુષ્પમુકુટ ઉપર રોજને રોજ ભાગ્યેજ અસ્ત નહિ પામતો હોય !

સરદારને તથા તેની વહાલી સરંગીને એકજ ઠેકાણે બાળ્યાં, મધુરી સરંગી ! તારા ક્ષણભંગુર માલિક કરતાં પણ તારે માથે ભારે દુઃખ ગુજ્યું ! તારો આત્મા તો તારામાંજ સમાઈ રહેલો હોવાથી લગભગ નાશ પામ્યો, પણ તારા રમાડનારનો પરમ અંશ સ્વર્ગમાં વાસ પૂરી, કોઈ કોઈવાર જ્યારે આકાશ ભવ્ય દેખાય છે અને સંસાર લૂખો લાગે છે ત્યારે, પેલી ભક્તિમાન્ પુત્રીના કાનમાં મૃદુ શબ્દ કરે છે, ને હૃદયમાં આવિર્ભાવ પામે છે, આવી રીતે સાંભળવાની ઇંદ્રિયો પણ માણસનામાં છે. પણ તે જડ બુદ્ધિને જડતી નથી. જેઓ શ્રદ્ધાસહિત મરનારનું સ્મરણ વીસરતાં નથી તેમને આવા સુસ્વર વારંવાર સંભળાયા વિના રહેતા નથી.

રમા હવે જગત્‌માં એકલી પડી, જે ઘરમાં રહી એને એકલાં રહેવું તે શું તેની સમજ પણ ન હતી, તેજ ઘરમાં હવે એ નિરાધાર એકલી થઈ પડી ? પહેલાં તો આવું એકલાપણું એ ઉજ્જડ ઘરમાં એને ઘણું વસમું લાગવા માંડ્યું, રે વાંચનાર ! — આ અદ્‌ભૂત અને અગમ્ય વાત વાંચનાર ! — કોઈ પ્રેમબદ્ધ પ્રાણના સનાતન વિયોગે તને એમ નથી લાગ્યું કે આ ઘર હવે ખાવા ધાય છે, એને મૂકીને કોઈ ઝુંપડીમાં રહેવું પણ ઠીક છે ? જંગલના જડવૃક્ષાદિક અને ક્રૂર હિંસક પ્રાણીનો સહવાસ સારો છે ! એમ છતાં પણ, અહો ! માણસ ! તારી વૃત્તિ શી વિલક્ષણ છે ! આવા વિચાર ગ્રહણ કરીને ઘર છોડી ગયા પછી પણ, જ્યારે નવા સ્થાનમાં મરનારનું સ્મરણ કરાવે