પૃષ્ઠ:Gulabsinh.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના.

માનજે, પણ તને ન ગમે એવું કાંઈક આવે ત્યારે તે પેલા વૃદ્ધ મહાત્માનું જાણી લેજે.”

કથા વાર્તા આદિથી પુરુષાર્થ અને તત્ત્વ સમજાવવાનો માર્ગ નવીન નથી. આપણાં પુરાણો, આખ્યાનો, પ્રબોધચંદ્રોદય જેવાં નાટકો, એ આદિ તેવાજ પ્રકાર છે. કથામાત્રનો ઉદ્દેશ, કથાના શબ્દો કરતાં કોઈ અન્ય ધ્વનિ રૂપે બોધ આપવાનું હોય છેજ. પરંતુ કથામાં જેમ ઉપદેશની વાતને ગૂઢ રાખવામાં આવે, ધ્વનિરૂપે શબ્દાર્થની પારની વ્યંજનામાત્રથી ફલિત થતી રાખવામાં આવે, તેમ ઉપદેશ વધારે સાર્થક થાય છે. બુદ્ધિ, ધર્મ, આદિને પાત્ર ઠરાવી કથામાં લાવવાં, કે કથાનો ઉદ્દેશ, ઉપર જોતાંજ, વાચ્યમાંથી જ જણાઈ આવે તેવો રાખવો, અથવા વાચકને વધારે સ્પષ્ટ રીતે તે ઉપદેશ સમજાવવા કથાના વસ્તુમાંજ પાત્રો પાસે ઉપદેશક ભાષણો અપાવવાં, એ પદ્ધતિ સારી જણાતી નથી. એટલે આવી જે જે વાર્તા, કથા, આદિ ઉપલબ્ધ થઇ શકે છે તે કરતાં આ ગુલાબસિંહની વાર્તા એની રચનાના ધ્વનિથી ઉપદેશ ઉપજાવવા માટે અપ્રતિમ છે. જેને શબ્દના વાચ્યાર્થની પાર જોવાનું સામર્થ્ય નથી, સામાન્ય કથાના પ્રસંગો કરતાં વધારે ગર્ભિત ભાવ ભોગવવાનું હૃદય નથી, તેને પણ પ્રબોધચંદ્રોદય કે એવી કથા વાંચતાં જે કંટાળો આવે તે આ વાર્તામાં આવશે નહિ; ઉલટો વાત માત્રમાં પણ બહુ રસ આવશે, ને શક્તિ હશે તેટલે ઉપદેશ લેઈ શકાશે.

આખી વાતની રચના ઘણાં સૂક્ષ્મ તત્ત્વ ઉપર કરવામાં આવી છે, ગુલાબસિંહ અને મત્સ્યેન્દ્ર બે મહાત્માઓ છે, બન્નેએ પરમ પુરુષાર્થનો નિરવધિ આનંદકારક સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલો છે, બન્નેને પોતાના જેવા અન્ય મહાત્માઓ ઉપજાવવાની પરમાર્થ વૃત્તિ છે પરંતુ મત્સ્યેન્દ્ર કેવલ બુદ્ધિના પ્રદેશનો પ્રવાસી છે, ગુલાબસિંહ હૃદયનો વિલાસી છે. મત્સ્યેન્દ્રને તેની તીક્ષ્ણ અને ઉન્નત બુદ્ધિ જે સત્ય અનુભવાવી શકે છે તેજ ગુલાબસિંહને એની વિશાલ અને વિશુદ્ધ પ્રેમભાવના અને શ્રદ્ધા આપી શકી છે. જ્ઞાન, સામર્થ્ય, અને પુરુષાર્થથી એક છતાં ઉભયે શુષ્કતા અને આર્દ્રતાના ભાવે કરી એક એકથી ભિન્ન છે, એક જ્ઞાનમૂર્તિ છે, બીજો ભક્તિ અને પ્રેમનો દેવ છે. અનંત બ્રહ્માંડો ભાંગી જાય, લાખોના જીવોનો સંહાર થઈ જાય, તો પણ મત્સ્યેન્દ્ર પોતાની બુદ્ધિએ પ્રેરેલી કઠિનતામાં જરાએ ઢીલો થવાનો નહિ, એ માર્ગે પોતાના જેવા બીજા સિદ્ધ થાય તોજ કરવાનો; ગુલાબસિંહ દુઃખ દેખીને દયા ખાય, પ્રેમ દેખીને