પૃષ્ઠ:Halarada.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘણા સોનાનું પારણું ને કોરે વીજળી વ્રળકે.
પારણિયાને ફેર ફરતી રતન ચૂનીઓ ઝળકે.
- ઓળોળોળો.

સોનાની સાંકળીઓ સુંદર રેશમની છે દોરી,
ચાર ખૂણે ચંદરવા ટાંક્યા, વચ્ચે સૂરજની જોડી.
- ઓળોળોળો.

મોર ચકલીઓ પૂતળીઓ ને ઝૂમખડાં સોનાના,
રૂમઝૂમ રૂમઝૂમ બજી રહ્યાં મારા લાલ રહો ને છાના.
- ઓળોળોળો.

હીર ચીરનાં બાળોતિયાં ને હાથમાં ધાવણી ઝાલી,
લાડકવાયો બાળક ઝૂલે, મે'ર કરી મતવાલી.
- ઓળોળોળો.

ભીડ થઈ જશોદાને મંદિર જોવા છેલછબીલા,
પગતળિયે પિલાઈ ગયા પ્રેમીજન ભગતીવાળા.
- ઓળોળોળો.

થેઈ ! થેઈ !

[બાળકને ચાલતાં શીખવતી વેળા માતા આ ગીત ગાય છે અને બાળકનો હાથ ઝાલી ડગલાં ભરાવે છે. ગીતનો તાલ બાળકની પહેલવહેલી થેઈ ! થેઈ ! પગલીઓ જેવો જ છે.]

ડગમગ! ડગમગ! ડગલાં ભરતા હરજી મંદિર આવ્યા,
પગમાં ડાક જશોદા માએ ગોકુળમાં ચલાવ્યા.

થેઈ થેઈ ચરણ ભરો ને કાન,
વેંચું મુક્તાફળ ને પાન!

સારી સારી સુખડિયું તારા ગુંજડિયામાં ઘાલું;
મોતીસરના લાડવા તારા હાથડિયામાં આલું રે. – થેઈ થેઈ.

પૌંવા મગાવું દૂધે પલાળું, હરિને ફીણી આલું;
શેરડીનો સાંઠો મગાવું, છોલાવું, મગ ફોલું. - થેઈ થેઈ.

તાલ ટાંચકા શંખ ફેરકણાં ઊભાં ઊભાં મગાવું;
રેશમ દોરી પટવા કેરી ફમક ચોક નખાવું. - થેઈ થઈ.

હાલરડાં
૨૫૯