પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ : હીરાની ચમક
 


જતા, એટલો ગિરિજાશંકરના શિક્ષણનો અવશેષ ગામમાં રહ્યો હતો. ઉપરાંત સાતઆઠ વર્ષનાં નવનવાં બાળકો તેમની પાસે આવી વર્ષો વર્ષ ભણ્યે જતાં હતાં એટલી જ ગિરિજાશંકર માસ્તરની મહત્તા.

ગામલોકો ગિરિજાશંકર પ્રત્યે ખૂબ માનવૃત્તિ ધરાવતા, તેમની ગાય માટે બાર માસનું ઘાસ ભરી આપતા, અને ઘરની એાસરી પડાળીનાં નળિયાં ખસી ગયાં હોય તો તે ઠીક પણ કરી આપતા. કદી કદી ગામલોકો તેમની સલાહ પણ લેતા અને ગિરિજાશંકર માસ્તર સહુને સાચે માર્ગે જવાની સલાહ આપી ગામ ખટપટમાંથી વેગળા રહેતા. ગામના તલાટી પટેલ સાથે તેઓ સારો સંબંધ રાખતા, અને કોઈ અમલદારનો મુકામ ગામે આવે તો ગામના સંભવિત સદ્દગૃહસ્થો તરીકે અમલદારને મળવાનું ગિરિજાશંકરને આમંત્રણ પણ મળતું. ગામનાં સ્ત્રી, પુરુષ અને બાળક એ સર્વનાં તેઓ મિત્ર હતા અને તેમના સારા કામની કદર તરીકે શાળા ઉપરાંત ગામની ટપાલનું કામ સાતેક રૂપિયા વધારે આપી તેમને હસ્તક સોંપ્યું હતું,

પચીસ વર્ષ સુધી ગિરિજાશંકરે શાળા અને ટપાલકામ ચલાવ્યું. છેવટે એમાં વિક્ષેપ આવ્યો. આ ગામથી શાળા બંધ કરી પાંચેક ગાઉ દૂર આવેલા વધારે મોટા ગામની શાળા સાથે ભેળવી દેવાનો સરકારી હુકમ આવ્યો. અને નોકરીના પાછલા ભાગમાં ઘર છોડીને મદદનીશ શિક્ષક તરીકે જવાનો ગિરિજાશંકરને પ્રસંગ આવ્યો. મોટા અમલદારોને બદલી એક ઉત્સવનો પ્રસંગ હોય છે એટલે તેમને સમજ પડતી નથી કે નાના નોકરો એક ગામથી પાસેના જ બીજે ગામ જવામાં શા માટે આનાકાની કરતા હશે. પરંતુ ગિરિજાશંકરે પરગામ જવાની ના પાડી, જે મળતું હોય તે પેન્શન આપવા ઉપરીને વિનંતી કરી, અને શાળા બંધ થઈ તે દિવસે તેમના હૃદયનો એક ભાગ તૂટી ગયો હોય એવી લાગણી અનુભવતા ગિરિજાશંકર ઘેર આવી દુઃખી બનીને બેઠા; અને બેસી રહેવું ન ગમ્યું એટલે ગામની બહાર લટાર મારતાં ભીડભંજન હનુમાનને મંદિરે વિચારશૂન્ય દશામાં પહોંચી ગયા.