પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામ શિક્ષકનું એક ગૌરવ : ૩
 


હનુમાનની દેરી આગળ ખુલ્લું ચોગાન હતું, વૃક્ષની ઘટા હતી, અને બેસવા માટે એક છોબંધ બાંકડો હતો. સંધ્યાકાળનો સમય હતો. હનુમાનની પૂજા કરનાર બાવા સાથે ગિરિજાશંકરે થોડી વાતચીત કરી અને બાવો ગામમાં લોટ માગવા નીકળી પડ્યો. એકલા પડેલા ગિરિજાશંકર પોતાના આખા જીવનનો સરવાળો-બાદબાકી કરતા ત્યાં જ બેસી રહ્યા. એમની દૃષ્ટિ સમક્ષ પોતાની નિષ્ફળતાનાં અનેકાનેક ચિત્રો તાદૃશ પ્રગટ થવા લાગ્યાં. તેમનો જ બાલમિત્ર જયકૃષ્ણ ગામની બહાર નીકળ્યો અને આજ મહાન કથાકાર બની મુંબઈ અમદાવાદમાં શેઠિયાઓનું ગુરુપદ પામી પોતાના સ્વતંત્ર બંગલાઓ પણ શહેરમાં બંધાવી શક્યો.

તેમની જ પાસે હિસાબ કિતાબ શીખીને તૈયાર થયેલો કાન્તિ લુહાણો આફ્રિકા પહોંચી ગયો અને ત્યાં તે લખપતિ બની ગયાના પણ સમાચાર ગિરિજાશંકરે થોડાં વર્ષો ઉપર સાંભળ્યા. અને એ જ કાન્તિએ તેમને આફ્રિકા જવાનું આમંત્રણ આપ્યું, પરંતુ ગામને, શાળાને અને કુટુંબને છોડીને ગિરિજાશંકરથી શી રીતે જવાય ? કાન્તિએ તો વિશ્વાસ આપ્યો હતો કે પાંચ વર્ષ માસ્તર સાહેબને આફ્રિકા રાખી તે હજારોની કમાણી તેમને કરાવી આપશે. પણ ગામમાં દટાઈ ગયેલા ગિરિજાશંકરના પગ ગામ બહાર જવા ઊપડ્યા જ નહિ!

વરજીવન કાપડિયો ખભે ગાંસડી ભેરવી ગામડે ગામડે કાપડ વેચતો. આખા કુટુંબને લઈને એ કલકત્તે નીકળી ગયો, અને આજ કલકત્તા અને કાનપુરમાં કાપડની મોટી પેઢી ચલાવે છે, અને કહે છે કે એનો દીકરો તો વિલાયત – અમેરિકા જઈ સાહેબોને ટક્કર મારે એવું અંગ્રેજી બોલતો થઈ આવ્યો છે !...શું એનું નામ ?

જે છોકરીને એ પરણ્યો હતો એનું નામ તો હતું જયા – જડીનું જયા નામ કરી નાખેલું તે ! અને એ છોકરી ભણેલી ન હતી એટલા માટે એનું વેવિશાળ તોડવા પણ એ છોકરો તૈયાર થયો હતો. પણ એ છોકરી બડી હોશિયાર ! ચટ લઈને નામ એણે