પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામશિક્ષકનું એક ગૌરવ : ૫
 


ઉતાવળા પાછા આવ્યા. આવતાં બરોબર ગિરિજાશંકરને બેઠેલા જોઈ બાવાજીએ કહ્યું :

‘હજી અહીં જ છો, માસ્તર સાહેબ?’

‘હા, બાવાજી ! આજ તો શાળા ગઈ છે એટલે ઘેર જવું પણ ગમતું નથી.’ ગિરિજાશંકરે કહ્યું.

‘પણ માસ્તર સાહેબ ! તમારે ઘેર મહેમાન આવ્યા છે; બહુ મોટા માણસો લાગે છે. તેમને ખબર નથી? મોટર અહીંથી જ ગઈ તે તમે ન જોઈ? જાઓ જલદી કરો; તમને ખબર આપવા જ હું ઉતાવળો આવ્યો છું.’ બાવાજીએ સમાચાર આપ્યા.

‘કોઈ ભૂલા પડેલા લોકો હશે. મારે ત્યાં કારમાં આવે એવા કોઈ મહેમાનો આવે જ નહિ.’ ઊભા થતાં ગિરિજાશંકરે જવાબ આપ્યો.

‘અરે, તમારા ઘરમાંથી જ મને કહ્યું ને – હું લોટ માગતો હતો ત્યારે ? જાઓ જાઓ, ઝડપ કરો; કોઈ બાઈ પણ છે – ઠકરાણી જેવી !’ બાવાજીએ કહ્યું.

મહેમાનો આવવાની ખબર ન મળી હોત તો પણ ગિરિજાશંકર ઊઠવાની તૈયારી કરતા હતા. જીવનભરમાં કારમાં બેઠેલો કોઈ મહેમાન તેમને ઘેર હજી સુધી આવ્યો ન હતો; આજ શાળા ખુંચવાઈ ગઈ તે જ દિવસે કોણ સધન મહેમાન તેમને ઘેર આવી શકે ? ઊંડા વિચારમાં તેઓ ઊતરી ગયા. નાનકડા ગામના નાનકડા માસ્તરને યાદ કરી કોણ ધનપતિ કારમાં બેસી પોતાને ઘેર આવી શકે; એનો તેમણે ઊંડો વિચાર કરવા માંડ્યો... જયંતી કલકત્તામાં; મનસુખલાલ મુંબઈમાં પેલા ચબરાક વલ્લભને આફ્રિકામાં ભારે પૈસા મળ્યા. પરંતુ એ બધા પોતપોતાનાં ગામ છોડી આ નાનકડા ત્યજી દીધેલા ગામમાં શા માટે આવે ? ગિરજાશંકરને કંઈ સમજ પડી નહિ.

એટલામાં તેમનું ઘર આવી ગયું. આછા અજવાળામાં તેમના ઘર પાસે જ બે ગાડી ઊભી રહેલી તેમણે જોઇ. બહાર કાથીના ભરેલા બે ખાટલા પાથરેલા હતા. બંને ખાટલા ઉપર ધનિકોને મેલાં