પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૂધમાંથી અમૃત : ૧૬૩
 

જવું ન જોઈએ. તારે કાંઈ વર માગવો જ પડશે. દેવદર્શન અફળ ન જાય.’ ઈન્દ્રે આગ્રહ કર્યો. અને દેવ તરીકેની પોતાની સ્વર્ગ મહત્તા પણ ઉપમન્યુ આગળ રજૂ કરી. કોઈ તપસ્વી સિદ્ધિ માગે, કોઈ તપસ્વી અપ્સરાનું રૂપ માગે, અગર પૃથ્વી ઉપરના વૈભવો માગે છે એ ખામી ભરેલા તપને ફલિત કરવાનો ધર્મ ઇન્દ્રનો હતો. પરંતુ એવું તપખંડન ઉપમન્યુના તપમાં શક્ય ન હતું. ઈન્દ્રનો આગ્રહ જોઈ તેણે નમ્રતાપૂર્વક ઇન્દ્રને વિનંતી કરી :

‘દેવ ! આપનાં સાચાં દર્શન મને થયાં હોય, અને દર્શન અને ફળ આપનાર હોય તો હું એક જ વર માગું છું.’

‘માગી લે આ ક્ષણે જ, મારું અહીંથી વિસર્જન થાય તે પહેલાં.’ ઈન્દ્રે કહ્યું.

‘દેવ ! જીવનભર શંકરના શિવસ્વરૂપને પ્રત્યક્ષ જોવા મથું છું. મને તેમનાં દર્શન કરાવો.’ ઉપમન્યુએ કહ્યું.

‘ઓ ઘેલા તપસ્વી ! માગી માગીને તેં આ માગ્યું ? નહિ દેવના, નહિ અસુરોના, અર્ધ અસુર સરખા, ભાન વગરના, વ્યસની, સ્મશાનવાસી ઈષ્ટને તું માગે છે? તારી ભયંકર ભૂલ થાય છે...’

‘ભૂલ થતી હોય તો થવા દો, દેવ ! અને શિવસ્વરૂપની નિંદા ઈન્દ્રમુખે ન થાય એવી હું પ્રાર્થના કરું છું.’ ઉપમન્યુએ કાને હાથ દઈ દેવરાજને વિનંતી કરી.

‘માગવું હોય તો રંભા, ઉર્વશી કે તિલોત્તમાને માગી લે. જંબુદ્ધીપ કે લક્ષદ્વીપનું રાજ્ય માગી લે. કોઈથી પરાજિત ન થવાય એવું સામર્થ્ય માગી લે. આ અર્ધ જંગલી, ભૂતપ્રેતના નેતા, ભાંગ મસ્ત, અઘોર, નવસ્ત્રા દેવનાં દર્શન કરીને તું શું પામવાનો છે?’

‘ઇન્દ્રદેવ ! ક્ષમા કરો. મારે શિવતત્વ સિવાય બીજું કાંઈ જ પામવું નથી. આપને મારું તપ વ્યર્થ લાગતું હોય તો આપ ભલે સમેટાઈ જાઓ પરંતુ મારા કાન હવે શિવનિંદા નહિ સાંભળી શકે.’ ઉપમન્યુએ કહ્યું.

‘અને હું શિવનિંદા કરીશ તો તું શું કરીશ ?’ ઈન્દ્રે કહ્યું,