પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપનો ઈજારદાર : ૧૮૫
 

 માધવીના ખંડમાં આવી જતો. આજ વૈમનસ્ય પહેલાંની ઢબે પહેરેલા કપડે જ શરદ માધવીના ખંડમાં આવ્યો. માધવીએ તેના તરફ જોયું નહિ એટલે શરદ તેની સામે આવ્યો અને કહ્યું :

‘માધવી !’

‘હં !’ શરદની સામે જોયા વગર માધવીએ જવાબ આપ્યો.

‘હવે આમ કેટલો વખત ચલાવવું છે?’

‘ઈશ્વર ચલાવે ત્યાં સુધી.’

‘નાહક ઈશ્વરને વચમાં ન લાવીશ. એમ કહે કે ગિરીશ ચલાવે ત્યાં સુધી.’

‘ગિરીશ ?’ જરા સતેજ બની શરદની સામે જોઈ માધવીએ પુછ્યુ

‘હા, ગિરીશ. તું તેને ઓળખતી લાગે છે.’

‘હું ગિરીશને જ નહિ, પરંતુ એ સિવાય ઘણા ઘણાને ઓળખું છું.’

‘પરંતુ આ ગિરીશનું ઓળખાણ કંઈ અવનવું જ લાગે છે.’

‘શા માટે અવનવું ? જેવાં બીજાં એાળખાણ તેવું આ પણ ઓળખાણ.’

‘એના કરતાં કાંઈ વિશેષ લાગે છે. ગિરીશના ઓળખાણમાંથી ભેટ સોદાગરના ભંડાર ખૂલતા લાગે છે.’

‘એ કશી ખબર મને નથી. હું એટલું જાણું છું કે મારા બાળપણમાં ગિરીશ નામનો એક મિત્ર મારી સાથે ભણતો હતો.’

‘મિત્ર ! હીરામેતીના દાગીનાની તને ભેટ આપી શકે એવો એ તારો મિત્ર હતો, નહિ ?’

‘ના એ ગરીબ માબાપનો પુત્ર હતો. એ કદી મને ભેટ મોકલાવે એમ હું માનતી નથી.’

‘તો–જો, જરા આંખો ખોલીને, આ ડબી અને ડબીમાં મૂકેલા અલંકાર તથા ભેટ આપનારનું નામ.’

કહી શરદે પોતાના ખિસ્સામાંથી ડબી કાઢી એક નાના સ્ટુલ ઉપર માધવીની આગળ મૂકી દીધી