પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : હીરાની ચમક
 

 ‘હા, હું શાહજાદો છું. મને એક નવાઈ લાગે છે કે ખુદાને માર્ગે જવાનો ઢોંગ કરનાર માણસ આવું વ્યસન કેમ કરી શકે ?’ ઔરંગઝેબે સાધુની પાસે આવીને કહ્યું.

‘હું આ ભાંગ લસોટું છું, તેને આપ વ્યસન કહો છો, નહિ ? વ્યસનથી પણ પ્રભુ પાસે વહેલા પહોંચાતું હોય તો વ્યસન પણ ધર્મ બની જાય.’ સાધુએ કહ્યું.

‘એ ધર્મ જ ખોટો છે જે વ્યસનનો માર્ગ પ્રભુનો માર્ગ માને છે. હું જો શહેનશાહ હોઉં તો...’ ઔરંગઝેબે વાક્ય પૂરું ન કર્યું.

‘શહેનશાહ આપ થાઓ એવાં બધાં જ લક્ષણ આપના મુખ ઉપર દેખાય છે.’ સાધુએ કહ્યું.

‘ખોટી ખુશામત કરવાની જરૂર નથી. વ્યસન ઉપરાંત બીજું પણ તમે પાપ કરી રહ્યા છો.’ ઔરંગઝેબે વાક્ય પૂરું ન કર્યું.

‘વ્યસનને, વ્યસનીને, પાપીને, પાપને, આમ તિરસ્કારો નહિ, શાહજાદા ! હું કદી કોઈની ખુશામત કરતો નથી. સાચું કહું ? ઊંડાણમાં જોતાં મને કાંઈ કાંઈ દેખાય છે. તમારા જીવનમાં... શહેનશાહત તો છે જ... પણ...’ સાધુએ કહ્યું.

‘કેમ અર્ધું બોલી અટકી ગયા ?’ ઔરંગઝેબે પૂછ્યું.

શહેનશાહતનું ભાવિ તેને માટે નિર્માણ થયું હતું એ કથન ગમ્યું ખરું, પરંતુ સાધુને હજી કંઈ કહેવાનું બાકી હતું એમ ઔરંગઝેબને લાગ્યું.

વ્યસન રહિત હો તો તેનો ઘમંડ ન કરશો. માનવી વ્યસનથી બચે છે, ખુદાની કૃપા વડે... તમે પણ, શાહજાદા ! ખુદાની કૃપાથી જ નિર્વ્યસની રહ્યા છો. એનું અભિમાન રાખશો તો એકાદ વખત જરૂર પછડાશો.’ સાધુએ કહ્યું.

‘હુ પછડાઉં, વ્યસનમાં ? અશક્ય ! પક્કો સાચો મુસ્લિમ, બીજા રજવાડી મુસ્લિમો જેવો નથી કે જે તમારા સરખા કાફરોની ભવિષ્યવાણીથી ભોળવાઈ જાય.’ ઔરંગઝેબે કડકાઈથી જણાવ્યું.

‘એવો પ્રસંગ આવે ત્યારે મને યાદ કરજો. એ પ્રસંગ આવવાનો