પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ : હીરાની ચમક
 


આંખે માર્ગદર્શન માંગ્યું. ગિરિજાશંકરને પણ આ ઘટનાનો ઉકેલ લાવતાં સહજ ગૂંચવણ પડી. થોડી વાર વિચાર કરી તેમણે ગામડાંનાં માબાપને ગળે ઝટ ન ઉતરે એવું એક સૂચન કર્યું :

‘આમાં મને એક જ રસ્તો દેખાય છે. આજના સુધરેલા છોકરાઓ શહેરમાં રહે અને ભણેલી, ટાપટીપવાળી, સોરીસમારી વહુ માગે. આપણી જડીનું નામ બદલી જયા કરી નાખો અને એની પાસે જ એના ભાવિ પતિને એક સરસ કાગળ લખાવીએ – એવો સરસ કે એ છોકરો પણ કાગળ વાંચે તો એક વાર ના પાડતાં વિચાર કરે...’

‘હાયહાય, બાપ ! હજી પરણવાનું તો ઠેકાણું નથી, તે પહેલો : જડી પાસે કાગળ લખાવવો છે?’ જૂની ઢબનાં માતુશ્રીએ આશ્ચર્ય પ્રગટ કર્યું.

‘આજનો વખત જ એવો છે. સંભવ છે કે એ કાગળ વાંચીને વેવિશાળ તોડવાને બદલે આપણી દીકરીનો આગ્રહ જ જવાબમાં આવે.’ માસ્તર સાહેબે નવી દુનિયાનું જ્ઞાન આપ્યું.

‘પણ એ બિચારી જડી ! ...નહિ પૂરું ભણેલી ! નહિ અક્ષરનાં ઠેકણાં ! એનાથી કાગળ શી રીતે લખાય ?’ માતાની મુશ્કેલી કરતાં પિતાએ જુદી જ મુશ્કેલી દેખાડી.

'એ મારા ઉપર છેડી દો... પણ એક શરતે. કાગળ જાય પછી જડીને છ મહિના સુધી તમારે મને સોંપી દેવી અને એ મારી દીકરી છે એમ માનીને ચાલવું.’ માસ્તરે આગળ ઇલાજ દર્શાવ્યો.

‘એટલે ?’ માતાને સમજ ન પડી કે યૌવનના પ્રવેશથી પોતાની દીકરી સાથે આ બધી શી રમત ચાલવાની છે ? અલબત્ત ગિરજાશંકર માસ્તર માટે એટલી તો સહુને ખાતરી હતી કે આખા ગામની વહુદીકરીઓ તેમને મન બહેન દીકરી સમાન હતી.

છતાં ગિરિજાશંકર માસ્તરે માતાને અને પિતાને સમજાવ્યું કે પહેલો કાગળ જયાના નામને તેઓ પોતે જ લખશે; પરંતુ પરણનારને છેતરવાની સ્થિતિમાં ન મુકવા માટે જયાનું ભણતર માસ્તરે