પૃષ્ઠ:Hira ni chamak.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨ : હીરાની ચમક
 



આ ઢબે પતિપત્નીનો વ્યવહાર ચાલ્યા કરતો હતો. કૌશિક ગાન, તાન, મોજ, મજાહ ને કામવૃત્તિના વિધવિધ પ્રયોગોને લઈને અતિ કુષ્ઠરોગી બની ઘરમાં પત્નીને દમવા લાગ્યો અને પોતાના મહારોગ માટે સારવાર પણ પામવા લાગ્યો. કલ્યાણીને તો પતિના આનંદમાં જ આનંદ, પતિના સુખમાં સુખ, અને પતિની સારવારમાં જ માનવસેવા સમાઈ ગયેલાં હતાં. રોગ શરીરમાં પ્રવેશ પામે એટલે એને વધતાં પણ વાર ન લાગે. કૌશિકનો રોગ વધતો ચાલ્યો. પગની આંગળીના ટેરવાથી શરૂ થયેલો કુષ્ઠરોગ ધીમેધીમે હાથ સુધી પહોંચ્યો, અને તેના મુખ ઉપર પણ રોગની રેખાઓ ઊપસવા માંડી. કલ્યાણી સારવાર કરે, વૈદ્યોને બોલાવે, તેમની દવા કરાવે, વ્રતવર્તુલા કરે, અને નિત્ય પ્રભુની ઉપાસનામાં પતિનો રોગ ટળી જાય એવી જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના તેની હોય. પ્રાર્થના તો હવે કૌશિક પણ કરતો હતો. કારણ તેના અવરજવરમાં હવે મુશ્કેલીઓ પડવા લાગી; જે બજારુ સુંદરીઓનો તે સાથ સેવી રહ્યો હતો તેમણે એનો તિરસ્કાર કરવા માંડ્યો. અને ગાયન–વાદનના જલસામાં કદાચિત્ મુશ્કેલીએ પણ હાજરી આપે તો એને જોઈને જ એ સંગીતજલસા સમેટાઈ જતા. સગાંવહાલાં હવે એની શારીરિક સ્થિતિની તપાસ કરવા જતાં પણ ડરવા લાગ્યાં. મિત્રો કોઈ રહ્યા નહિ. અને સહુ કોઈ કૌશિકની દયા ખાવાને બદલે ‘જેવાં કર્મ કરે તેવાં ભોગવે’ એમ કહી વ્યવહારુ ડહાપણ આગળ કરતાં હતાં.

એવા સંજોગોમાં કૌશિક પ્રાર્થનાનો શોખીન થાય એ સમજી શકાય એવું છે. પોતાનો રોગ મટે એમ એ ચાહતો હતો. પરંતુ એ ચાહના અને પ્રાર્થના પાછળ તેની એક જ લાલસા હતી કે રોગ થતા પહેલાં જે આનંદનો એ અનુભવ કરતો હતો (તે) આનંદ એને પાછો પ્રાપ્ત થાય. દુઃખનું આછું પણ શમન થાય તે ક્ષણે એને નારીદેહનું સૌન્દર્ય, યુવતીઓના અલંકાર અને હાવભાવવાળાં નૃત્ય જ યાદ આવતાં હતાં. મર્યાદા રહિત ઉપભોગે તેની આ સ્થિતિ કરી