પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલ્યાણી : ૬૧
 


કૌશિકનો દેહ બે ઘડી સુધી એ માટી ભરેલા ખાડામાં પુરાઈ રહ્યો. બે ઘડી વીતી અને કોશિકની મૃત આંખોમાં સહજ ગતિ આવી હોય એમ દેખાયું. આંખમાં ગતિ આવી એટલે તેના મુખમાં પણ જીવન આવતું દેખાયું. અને થોડી વારમાં તો તે બોલી પણ ઊઠ્યો :

‘કલ્યાણી ! મારો દેહ બહુ જ શાતા અનુભવે છે. મને આ માટીમાં જ રાખી મૂકશો તો મારું જીવન સુખમય જશે.’

કલ્યાણીના સતીત્વને પ્રભાવે, અનસૂયાના આશીર્વાદને પ્રભાવે કે અનસૂયાના આશ્રમની માટીના ઉપચારથી કૌશિકનો દેહ નીરોગી બન્યો અને ખાડામાંથી તેને બહાર કાઢલામાં આવ્યો ત્યારે કુષ્ઠરોગનું એક પણ ચિહ્ન ન દેખાતાં તેજસ્વી બ્રાહ્મણને શોભે એવો તેનો દેહ બની ગયો.

કૌશિકે કલ્યાણીને જોઈ. કલ્યાણીનું રૂપ જોયું. સતી અનસૂયાને જોઈ, અનસૂયાના રૂપને નિહાળ્યું, બન્ને સૌન્દર્યસંન્ન સાધ્વીઓ હતી. કૌશિકના હૃદયમાંથી કામવાસના અદૃશ્ય થઈ અને સ્ત્રીના માતૃત્વને, રક્ષક તત્ત્વને, ક૯યાણતત્ત્વને નિહાળી તે બન્ને સતીઓને સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યો.

‘હવે આ સુવર્ણશુદ્ધ બનેલા દેહને ફરી ભોગ કે રોગમાં હું ન ઉતારું એવો મને આશીર્વાદ આપો.’

માર્કંણ્ડેય પુરાણની આ કથા સાચી છે કે ખોટી એનો નિર્ણય આજની બુદ્ધિને આપી શકાય એમ નથી.

પરંતુ હજી નર્મદા કિનારાની અનસૂયા ક્ષેત્રની માટી અનેક કુષ્ઠરોગીઓને આરામ આપે છે અને શાસ્ત્રીયતામાં માનતી આજની વૈદકીય વિદ્યા પણ એ સ્થળે દવાખાનું કાઢી મૃત્તિકા ઉપચારને જીવંત રાખે છે.

માર્કંણ્ડેય પુરાણને રચાયે હજારેક વર્ષ થઈ ગયાં એમ માનીએ તોપણ આજનું ઉપચારગૃહ હજાર વર્ષનો અંકોડો સાંધતું ઊભું છે એટલું જ આપણા બુદ્ધિયુગમાં આપણે કહી શકીએ.

—વાર્તા ભલે ખોટી હોય.