પૃષ્ઠ:Hira ni chamak.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ : હીરાની ચમક
 


ઉતારા આપવા માંડ્યા અને થોડા સમયમાં તો એ માસિક દુનિયાના કોઈ પણ માસિક કરતાં વધારે ફેલાવો પામેલું માસિક છે એવો છાપિત ગર્વ પણ હું લઈ શક્યો, જે આજ સુધી “ ધર્મ ” માસિકનાં અગ્ર પૃષ્ઠ પર આવ્યા જ કરે છે.

સાધુને મેં સંપૂર્ણ સુખ આપ્યું અને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો. બદલામાં તેઓ મને તેમની આખી મિલકતનો વારસ ઠરાવતા ગયા. એ મિલ્કત મને મળે કે ન મળે તેની પરવા ન કરું એવી સધ્ધર આર્થિક સ્થિતિમાં “ધર્મ” માસિકે મને મૂકી દીધો છે. એ “ધર્મ” માસિકને પ્રતાપે તો મારો આ ત્રણ મજલાનો “ધર્મ મહાલય” ઊભો થયો છે એટલું જ નહિ પણ અનેક લેખકોને, ચિત્રકારોને, કારકુનોને તેમ જ મજુરોને હું રોજી આપી શકું છું. હું એક મહાન ધાર્મિક પુરુષ તરીકે પ્રતિષ્ઠા પામી રહ્યો છું અને ચોથી વારનાં લગ્ન પણ હું કરી શક્યો છું.

રખે કેાઈ પૂછે કે મને લગ્નનો આટલો બધો શોખ ક્યાંથી ? મારી પાસે તેનું એક સબળ કારણ છે. શોખને લીધે નહિ પણ ધર્મને આધારે હું ચોથી વારનું લગ્ન કરી ચૂક્યો છું. ગુરુના ગુજર્યા પછી મેં અગ્નિહોત્ર વ્રત લીધું છે; અગ્નિ પૂજા કર્યા સિવાય હું જમતો નથી. અને વિધુરથી અગ્નિહોત્ર કરી શકાય એમ છે જ નહિ એટલે ધર્મને ખાતર મારે વારંવાર પરણવું પડ્યું છે ! પણ એથી મારી ધર્મભાવના કે ધાર્મિકતાની મારી પ્રતિષ્ઠા તલપૂર પણ ઘટી નથી એ સ્પષ્ટ છે.

સર્વે બેકારોને મારી એક અનોખી સલાહ છે અને તે એ જ કે જ્યારે બીજો કોઈ પણ આધાર ન હોય ત્યારે ધર્મનો આશ્રય લેવો અને ‘ધર્મ’ કે એવા જ કોઈ નામનું દૈનિક, અઠવાડિક, માસિક, ત્રિમાસિક કે વાર્ષિક કાઢવું. હું એનો ઇજારો લઈને બેઠો અને મારી બધી જ જરૂરિયાતો તો એ માસિકથી પૂરી પડે છે. પણ મને લાગે છે કે હજી લોકોની ધર્મભૂખ ભાંગી નથી. દિવસો જતા જાય છે તેમ તેમ ધર્મવાચનની જિજ્ઞાસા વધતી જાય છે. મારા