પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૧

રૂપકો

ગરીબ વિધવા રહેતી હતી. અને તેણે આવીને એક માણસ સામે ફરિયાદ કરી, તેને સજા કરવા પ્રાર્થના કરી.

પહેલાં તો કાજીએ તે ફરિયાદ ગણકારી નહિ. પણ પછી તે વિચાર કરવા લાગ્યો કે, 'મને નથી ઇશ્વરનો ડર કે નથી કોઈ મનુષ્યનો ડર. પણ જો આ વિધવાની ફરિયાદ હું નહિ સાંભળું, તો તે રોજ આવીને મને પજવશે.' એમ વિચારી તેણે તેની ફરિયાદ પર ધ્યાન આપ્યું.

એક અન્યાયી કાજી પણ આ રીતે કરે છે, તો ઈશ્વર પોતાના ભક્તની રાતદિવસની આર્તવાણીને ન સાંભળે અને તેનો અપરાધ કરનારાને સજા ન કરે એમ બની શકે કે?

૧૬. ફૅરિસી અને કારકુન

એક ફૅરિસી અને એક સરકારી કારકુન એક દિવસ સાથે મંદિરમાં પહોંચ્યા. ત્યાં પેલા ફૅરિસીએ આ પ્રમાણે પ્રાર્થના કરી : 'હે ભગવાન, હું તારો આભાર માનું છું કે બીજાઓના જેવો જુલમી, અન્યાયી કે વ્યભિચરી નથી, તથા આ કારકુન જેવો પાપી નથી. હું અઠથવાડિયામાં બે વાર રોજો રાખું છું, અને મારી આવકમાંથી દશાંશ (ધર્માદા) કાઢું છું.'

અને પેલો કારકુન દૂર એક ખૂણામાં ઊભો રહી, આકાશ તરફ આંખો કરવાને બદલે, જાણે શરમ લાગતી હોય તેમ, પોતાની છાતી તરફ આંખો ઢાળીને પ્રાર્થના કરવા લાગ્યો કે, હે ભગવન્, આ પાપી પ્રત્યે દયા કર.'

નિશ્ચય માનજો કે પેલા ફૅરિસી કરતાં આ કારકુનની પ્રાર્થના વધારે શુદ્ધ હતી. જે પોતાને ઊંચો સમજે છે તે નીચો ઊતરશે, અને જે નીચે રહશે તેને ઊંચો ચડાવવામાં આવશે.