પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨

ઈશુ ખ્રિસ્ત

૧૭. ભરવાડ

જે માણસ નેસમાં એના દરવાજા વાટે નહિ, પણ કોઈ આડે માર્ગે પેસવા જાય તે એનો ધણી નહિ, પન ચોર ગણાય. ઘેટાંનો ધણી તો સીધે જ માર્ગે આવે છે, અને તેના નોકર પાસે દરવાજો ખોલાવે છે. અને તે પોતાના દરેક ઘેટાંને નામ દઈ બોલાવે છે, અને બહાર કાઢે છે. અને તે દરેક ઘેટાની આગળ ચાલે છે, અને ઘેટાં તેને અનુસરે છે. કારણકે તે એનો અવાજ ઓળખે છે. પણ અજાણ્યા માણસ પાછળ તે જતાં નથી, પણ નાશી જાય છે. કારણ કે, તેના અવાજ ને તે ઓળખી શકતાં નથી.

હું પણ મારાં ઘેટાંઓનો (ભક્તો) ધણી છું. ઘણા ચોરોએ આજ પહેલાં આવી મારાં ઘેટાંને ખેંચવા પ્રયત્ન કર્યો. પણ મારાં ઘેટાં તેની પાછળ ગયાં નહિ.

પણ હું સાચો ભરવાડ છું. મારાં ઘેટાં મારો અવાજ ઓળખી મારી પાછળ આવશે. પણ જે મારાં નહિ હોય તે મને નહિ અનુસરે.

હું સાચો ભરવાડ છું. સાચો ભરવાડ પોતાનાં ઘેટાં માટે પોતાનો જીવ પણ આપે છે. જ્યારે વરુ તરાપ મારે, ત્યારે ભાડૂતી નોકર નાસી જાય છે. પણ તેનો સાચો ધણી પોતાનો જીવ જોખમમાં નાંખીનેય તેનું રક્ષણ કરે છે.

જે મારાં ઘેટાં છે, અને જે મારા નેસમાં આવી મારાં બને છે, તેમનું રક્ષણ હું મારો જીવ આપીને કરીશ, એમ તે જાણે છે. તેઓ મારો અવાજ ઓળખશે.