પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિના તે પ્રકૃતિ બીજાને પ્રાપ્ત થતી નથી. તેનો સ્વીકાર કરતાં જ અનુયાયીઓમાં તે ઊગવા માંડે છે અને, પ્રયત્ન કરે તો ખીલે છે. મનુષ્યો તથા પ્રાણીઓનાં (ઐહિક) સંકટ અને અજ્ઞાન દૂર કરવાં તથા પોતે સમજેલા સત્યના પ્રચાર માટે ઉત્કટ પ્રવૃત્તિ કરવી એ ઈશુની ખાસ પ્રકૃત્તિ હતી, અને તે તેના મોટા મોટા અનુયાયીઓમાં ઊતરી આવેલી દેખાય છે. આજ સુધી તે પોષાતી આવી છે. ઈશુને માનવપુત્ર તેમ જ ઈશ્વરપુત્ર એવી બેવડી ઉપાધિ લગાડવામાં એ ખાસિયત સૂચવાય છે. ઈશુને પોતાના તારણહાર તરીકે સમજનાર માટે એ બેમાંથી માત્ર એક નો જ સ્વીકાર કરી બીજાનો ત્યાગ કરવો, તે કપૂરે પોતાનો સુગંધ અને કોમળતા છોડ્યાં છતાં કપૂર રહેવું તેના જેવું કઠણ છે.

સૌથી પહેલાં ખ્રિસ્તી ધર્મ આપણા દેશમાં દક્ષિણ હિંદુસ્તાનમાં તામિલ, કેરળ વગેરે પ્રાન્તોમાં હજાર કે તેથીયે વધુ વર્ષો પર સ્થપાયો. તેનો સંબંધ સીરિયાની ખ્રિસ્તી ગાદી (ચર્ચ) સાથે હતો. ત્યાર પછી સોળમા સૈકામાં ફિરંગીઓનાં પશ્ચિમ હિંદુસ્તાનમાં થાણાં નંખાયાં, ત્યારે વળી પાછો તેનો જોરથી પ્રચાર થયો. તેમાં કાંઈક ઉપદેશ તથા કાંઈક સામ, દાન, દંડ, ભેદના ઉપાયો અને રાજ્યાશ્રયનો હાથ હતો. તે ખ્રિસ્તીઓનો સંબંધ રોમની ગાદી સાથે હતો. કાળે કરીને આ બન્ને ગાદીઓના ખ્રિસ્તીઓ રહેણીકરણી અને રૂઢિઓમાંયે ઘણે અંશે હિંદુઓના જેવા જ થઈ ગયા.

પછી અંગ્રેજોના શાશનકાળમાં યુરોપ-અમેરિકાના અનેક દેશોના અને અનેક પંથોના પાદરીઓ દેશભર ફેલાઈ