પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈશુ ખ્રિસ્ત


यहूदी धर्मपंथो

યહૂદીઓનો ધર્મ મૂસા વગેરે કેટલાક મહાપુરુષોની સ્મૃતિઓને આધારે રચાયેલો છે. તેમાંના બે મુખ્ય ધાર્મિક સંપ્રદાયોહતા: ફૅરિસીઓનો અને સૅડ્યૂસીઓનો. ફૅરિસીઓ બહુ કર્મકાણ્ડી હતા. વિધિ પ્રમાણે યજ્ઞો, વ્રતો અને ઉત્સવોની ક્રિયાઓ કરવામાં અને જ્ઞાતિભેદો સાચવવામાં તેમનો ધર્મ સમાઈ ગયો હતો. પોતાના જૂના રીતરિવાજોમાં જરાયે ફરક ન પડવા દેવાની તે બહુ કાળજી રાખતા. યુનાની (ગ્રીક), રૂમી (રોમન)વગેરે લોકો તેમની દૃષ્ટિએ મ્લેચ્છ જેવા હતા. તેઓના રિતરિવાજોનો બહિષ્કાર કરવામાં તેઓ બહુ સાવધાન રહેતા. સમય પ્રમાણે ફેરફારને તેમના સંસ્કારોમાં સ્થાન નહોતું.

સૅડ્યૂસી લોક 'સુધારાવાળા' હતા. તેમણે પોતાના જૂના રિતરિવાજ ઘણે અંશે છોડી દીધા હતા. તેઓ સાંસારિક ઉન્નતિની વિશેષ ચિંતા કરતા, અને રાજ્યની નોકરીઓ, વેપાર વગેરેમાં આગળ પડતો ભાગ લેતા. જ્ઞાતિબંધનો ઢીલાં કરવામાંયે તેમની આગેવાની હતી.

આમ ફૅરિસીઓ પૂજાપાઠમાં મશગૂલ હતા, અને સૅડ્યૂસીઓ પૈસા પાછળ પડેલા હતા. ફૅરિસીઓમાં શુદ્ધ વર્તન પર કાંઈક લક્ષ હતું, પણ વિચારનું અને કર્તૃત્વનું બળ ઓછું હતું, તથા અંધશ્રદ્ધા અને અસહિષ્ણુતા ઘણાં હતાં. પરિણામે ઝનૂની પણ હતા. સૅડ્યૂસીઓમાં વિચાર પર જોર હતું ખરું, પણ એમને પરદેશી તેટલું સારું લાગતું. પૂરેપૂરા યુનાની કે રૂમી થવા તરફ તેમનું વળણ હતું.