પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યહૂદીઓ

पूजारीवर्ग

ઉપર કહ્યું કે યહૂદીઓનું મૂખ્ય મંદિર યરુશાલેમમાં હતું. એ મંદિરમાં બલિદાન ચડાવવાનો અધિકાર એક ખાસ પૂજારીવર્ગનો હતો. ગામેગામ નાનાં મંદિરો (સિનૅગૉગ) પણ રહેતાં. પણ ત્યાં પૂજાવિધિ કે બલિદાન થતાં નહિ. પૂજારીઓના પૂજાના વારા બાંધેલા હતા, અને તે પ્રમાણે તેઓ પૂજા કરવા યરુશાલેમ જતા. આ પૂજારીને યહૂદી (હિબ્રુ) ભાષામાં કોહેન કહે છે, અને તેમના આચાર્ય અથવા મહાપૂજારીને કોહેનહમ્માદોલ કહે છે. તેની નિમણૂક પૂજારીઓની ચુંટણીથી થતી. પણ ઈશુના જન્મસમયે તો રૂમી સામ્રાજયનો વગ એટલો બધો વધી ગયો હતો કે એમાંયે એમનો જ માનીતો માણસ આવી શકતો.


शास्त्रीवर्ग

ત્યાર પછીનો બીજો મહત્ત્વનો વર્ગ શાસ્ત્રીઓનો હતો. તેમનો જ એક વર્ગ લેખકનું કામ કરતો. તેઓ ધર્મ અનેઆચારના વિષયમાં નિર્ણય આપતા, અને તેમનો નિર્ણય કાશીના શાસ્ત્રીઓના જેવો માન્ય ગણાતો. બહુ વિદ્વાન શાસ્ત્રીને રૅબ્બી કહેતા.


एकोतेरी सभा

યહૂદીઓના જે કાંઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય હક્કો રૂમી સામ્રાજયમાં બાકી રહ્યા હતા, તે એકોતેર માણસનીએક સભાને સોંપાયેલા હતા. મહાપૂજારી, પૂજારીઓ અને બીજા કેટલાક વિદ્વાન યહૂદીઓને આ સભામાં બેસવાનો અધિકાર હતો. પણ એને રોમના સૂબાને અધીન રહેવું પડતું, અને એની રાજકીય મહત્તા નામની જ હતી.