પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦

ઈશુ ખ્રિસ્ત


ईशुनो जन्मकाळ

લગભગ બે હજાર વર્ષ ઉપર યહૂદી લોકોની સ્થિતિ આ પ્રકારની હતી. ઈશુ ખ્રિસ્તના જન્મ વખતે (ઈ.સ.પૂર્વે ૭ થી ૪, અથવા વિ.સં. ૪૯ થી પ૨ વચ્ચે.*[૧]) હેરૉદ નામે એક ક્રૂર અને વહેમી માણસ યહૂદીઓનો રાજા નિમાયો હતો. એ પોતે યહૂદી નહોતો, પણ છેલ્લા યહૂદી રાજાની પૌત્રીને પરણી રાજ્યાધિકારી થયો હતો. તે સત્તાનો લોભી હતો, અને આપખુદી ભોગવવા ઇચ્છતો હતો. રૂમી સમ્રાટને ભારે નજરાણાં મોકલી તથા વચગાળા યહૂદીઓને ઊંચા અધિકાર આપી તે તેમનાં મોઢાં બંધ કરતો, અને પછી પ્રજા પર મનમાન્યો ત્રાસ વર્તાવતો. પૂજારીઓને ખુશ રાખવા તેણે યરુશાલેમનું મુખ્ય મંદિર ફરીને બંધાવ્યું હતું. તે કાળમાં એ મંદિર સૌંદર્ય માટે એટલું વખણાતું કે, એમ ક્હેવાતું કે જેણે એ મંદિર જોયું ન હોય તે સૌંદર્ય શું એ જાણી જ ન શકે.


झेलोतवर्ग

અલબત્ત, યહૂદીઓમાં એક એવો વર્ગ પેદા થયો હતો જ કે જે પોતાના દેશની પરાધીન અવસ્થાથી દુ:ખી હતો, અને તેમાંથી છૂટવા ઉદ્યોગ કર્યા કરતો હતો. તે સામ્રાજયનો વેરી ગણાતો. તેને ઝેલોત કહેતા.

.


  1. *ઈશુના જન્મનું વર્ષ ગણવામાં ચારેક વર્ષની ભૂલ છે એમ એના નામનો સન શરૂ થયા પછી ઘણે વર્ષે માલૂમ પડ્યું. એટલે કે, એનો જન્મ ઈસ્વી સનના પહેલા વર્ષમાં નહિ, પણ તેના ચારેક વર્ષ પહેલાં થયો હતો.