પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


યોહાન
जन्म

યહૂદીઓની આવી પરિસ્થિતિમાં તેમનામાં બે સત્પુરુષોનો જન્મ થયો: યોહાન (યોહાન્નાન, જૉન) અને ઈશુ (જિસસ). ઝખારિયા અને એલિઝાબેથ નામનાં એક પૂજારી દંપતીને ત્યાં યોહાનનો જન્મ થયો. તેઓ એકમાર્ગી અને ધાર્મિક ક્રિયાઓમાં સરળપણે શ્રદ્ધાવાળાં હતાં. ઘરડે ઘડપણ સંતતિની આશા છૂટી ગયા પછી, એમને પુત્ર સાંપડ્યો હતો. તેના બાળપણની કશી હકીકત જણાઈ નથી પણ એમ લાગે છે કે એણે કેટલાંક વર્ષ એકાન્તવાસ અને તપશ્ચર્યામાં ગાળ્યાં હશે.

એ કફની કે જામાના જેવું ઊંટના વાળનું એક વસ્ત્ર પહેરતો. અને તેને ચામડાના પટ્ટાથી કમર આગળ બાંધી રાખતો . 'લોકસ્ટ' નામનાં બી.*[૧] અને જંગલી મધ એટલો જ એનો આહાર હતો.


  1. *અંગ્રેજી 'લોકસ્ટ' શબ્દનો અર્થ તીડ પણ થાય છે. આથી, ઘણા હિંદી વાચકો એવો ખ્યાલ કરે છે કે યોહાન તીડનો આહાર કરતો. પણ એ જુદો જ શબ્દ છે. બાવળ, ખેર જેવાં ઝાડોના પરડા પણ 'લોકસ્ટ' કહેવાય છે.