આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
ઈશુ ખ્રિસ્ત
લગભગ ત્રીસ વર્ષની ઉંમરે એણે ઉપદેશ આપવાનું કાર્ય શરૂ કર્યું. તે પોતાના શિષ્યોને પાણીનું સિંચન કરી દીક્ષા (બૅપ્ટિઝમ) આપતો. તેથી દીક્ષા આપનાર યોહાન તરીકે તે ઓળખાતો હતો. એની સાદાઈ, નિષ્કિંચનતા, પવિત્રતા અને સ્પષ્ટવક્તાપણાથી આકર્ષાઈ ઘણા લોકો એનો ઉપદેશ સાંભળવા ભેગા થતા, અને ઘણા તેના શિષ્ય થયા હતા. તેના ઉપદેશમાં મુખ્યત્વે એ આવતું કે ધર્મરાજયની સ્થાપનાનો કાળ હવે આવી લાગ્યો છે. તે રાજ્યને લાયક થવા પ્રજાએ તૈયાર થવું જોઈએ. એટલે કે, પોતાનાં પાપો માટે અનુતાપ કરી ચિત્ત શુદ્ધ કરવું જોઈએ. મિથ્યા કુલાભિમાન, જાત્યભિમાન અને પાંડિત્યભિમાન પર એ ચાબખા મારતો. આથી ફૅરિસી, સૅડ્યૂસી અને પૂજારીઓ એની સામે બળતા. પણ પ્રજાનો સામાન્ય વર્ગ એના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતો, અને તેને પ્રાચીન પેગંબર*[૧] એઝાયાહનો અવતાર માનતા.
- ↑ *પેગંબર અને ખ્રિસ્ત - આ બે વચ્ચે ખ્રિસ્તી ધર્મમાં ભેદ કરવામાં આવે છે. પેગંબર એટલે ઈશ્વરનો પેગામ - સંદેશો - કહેનાર. ખ્રિસ્તનો અર્થ અભિષિક્ત થાય. હિબ્રૂ ભાષામાં તે માટે મેસાયાહ શબ્દ છે. આપણી ભાષામાં કહીએ તો તેનો અર્થ યુવરાજ થાય. સાધના કરી જ્ઞાન પામેલો મનુષ્ય અને સ્વયંભૂ અથવા જન્મથી જ જ્ઞાની એ બે વચ્ચે જેવો ભેદ કરીએ, તેવો આ કંઈક ભેદ છે. અલબત, કોઈને ખ્રિસ્ત માનવો, કોઈને પરમેશ્વરનો અવતાર માનવાની જેમ, માત્ર શબ્દપ્રમાણ પર શ્રદ્ધા રાખવાની બાબત છે.