પૃષ્ઠ:Ishu Khrist.djvu/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭

ઈશુનો જન્મ અને સાધના

ભરપૂર માણસો ચમત્કાર કરવાની શક્તિને ઈશ્વર-દર્શનનું આવાશ્યક લક્ષણ લેખે છે. ધનલોભી રાજાઓ કરામત ન કરી બતાવે તેવા સંતોને ઢોંગી કહી પીડતા પણ ખરા. ચમત્કારોની ઊતરી આવેલી વાતોમાં કેટલી સચ્ચાઈ હોય છે એ જાણવાનું થોડા દિવસમાં જ કઠણ થઇ પડે છે, કારણ કે એ હકીકતોની વેલી એટલી ઝપાટાબંધ ફેલાય છે, અને એનાં ફળ પાછળથી એટલાં બધાં વિવિધ અને રસપૂર દેખાડવામાં આવે છે કે મૂળે બીજ પણ હશે કે નહિ એવી શંકા સહેજે ઉત્પન્ન થાય છે.

ચમત્કારોની વાતો કેવળ ખોટી જ છે એમ માનવું એ અશ્રદ્ધાનો છેડો છે. દરેક ચમત્કારિક વાત ગળે ઉતારી લેવી એ અંધશ્રદ્ધાનો છેડો છે. કેટલાક ચમત્કારો સંતોના સત્ય, અહિંસા વગેરે યમોના પાલન તથા અપરિમિત મૈત્રી અને કરુણાના સહજ પરિણામ-રૂપે થઈ જાય છે; કેટલાક યોગાભ્યાસની સિદ્ધિરૂપે હોય છે; કેટલાક ભાવિક લોકોની શ્રદ્ધાને લીધે જ બની આવે છે; અને કેટલાક કેવળ વહેમી માણસોની ભ્રમણામાં જ જણાય છે. એ સિવાય પાછળના અનુયાયીઓની કલ્પનાશક્તિ કેટલાક ચમત્કારોનું આરોપણ કરે છે. આમાંથી પહેલા બે પ્રકારના ચમત્કારોમાં સત્યાંશ હોઈ શકે છે.

પણ્ ચમત્કારોની વાતો સત્ય હોય કે અસત્ય, એ ઈશ્વરમય જીવનનું આવશ્યક લક્ષણ નથી એટલું જ નહિ, પણ સંતો પોતે ચમત્કારો તરફ અણગમાની દૃષ્ટિએ જ જુએ છે. ચમત્કારો કરવાની વૃત્તિ શરૂઆતમાં જણાય તોપણ ધીમે ધીમે એ વૃત્તિ ગૌણ પડી જઈ છેવટે તદ્દન નાબૂદ થઈ જાય