ઈશુ ખ્રિસ્ત
કરાવવામાં ધર્મ માને છે. સંતોના અભિપ્રાયો આથી જુદા હોય છે. સંતોની ઈશ્વર વિષેની ભાવના એને પતિતપાવન, અધમોદ્ધારક, દીનબંધુ, કરુણાસાગર તરીકે જોવાની હોય છે, અને એમની ઉપાસના પ્રમાણે એમનામાં પણ એ ગુણ પ્રકટ થાય છે. આથી જે પ્રથમથી જ નીતિને માર્ગે છે, તેના કરતાં જેનાથી ભૂલો થઈ છે, પાપો થયાં છે, તેમના પ્રતિ તેમની દયા કરૂણાનો પ્રવાહ વિશેષ જોરથી વહે છે. એ કોઈને સજા કરવા-કરાવવા ઇચ્છા નથી રાખતો. જેનાથી પાપો થઈ ગયાં છે એનાથી વિશેષ દયાપાત્ર કોણ હોઈ શકે ? અને દયાપાત્રને સજા કેમ ઘટે ? એને તો ક્ષમા-પ્રેમથી જ સુધારવાનો હોય. અમુક દેશ, અમુક પ્રજા, અમુક જાત કે ધંધો અપવિત્ર છે, શાસ્ત્ર કે જ્ઞાનનો અધિકારી નથી, એ ખ્યાલો ભૂલ ભરેલા અને ઘણું ખરું કોઈ કાળે ભોગવેલી જાહોજલાલીના મદમાંથી પેદા થાય છે. સત્પુરુષોને તેવા મતો માન્ય નથી થઈ શકતા. તેમની દૃષ્ટિએ પતિતપાવનતા પરમેશ્વરના મહિમા સાથે અવિભાજ્ય છે, અને તેથી તેઓ પણ પતિત પ્રત્યે હંમેશાં કરુણા ધરાવે છે.
"અજામીલ, ગીધ, વ્યાધ, ઈનમેં કહો કૌન સાધ ?
સંતોની કૃપાથી પાવન થયેલા પતિતોની આવી નામાવલી આપણા દેશનાં ભજનોમાં આવે છે. આમાં વાલ્મીકિ વગેરે અનેક બીજાંયે ઉમેરાય છે.
વર્ણ અને જાતિ સાથે ઉદ્ધારનો કશો સંબંધ નથી એમ એનેક સંતોએ ગાયું છે. તુકારામ મહારાજે નીચેના અભંગમાં હીન જાતિના ભક્તોની નામાવલી જ આપી છે :