પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ કરવાનું. માટે પૂજ્યને પ્રિય બનાવી દેવા તરફ મનનું વલણ કરવું.

(૩) પૂજ્ય મિત્રભાવનાથી પ્રેમપાત્ર થય ત્યારે દુષ્ટ અને પતિત કરુણભાવનાથી પ્રેમપાત્ર થઈ જાય. પછી પતિતનો ઉદ્ધાર કરવો જોઈએ એવો વિચારપૂર્વક પ્રયત્ન કરવો નહિ પડે, પણ એ સ્વભાવ બની જશે. જેનો એ સ્વભાવ થાય તે જ ખરો પતિતનો ઉદ્ધારક થાય.

તીવ્ર કરુણભાવનાથી પોષાયેલા વિશુદ્ધ પ્રેમનો પ્રવાહ હૃદયમાં વહેવા માંડે,પછી સ્પૃશ્યાસ્પૃશ્યતાજેવા વિધિનિષેધ કે હિંસાઅહિંસાના પ્રશ્નોના કેમ નિર્ણય કરવા એ વિષે શંકા જ નહિ રહે. એ પ્રવાહને રોકવા કોઈ સ્મૃતિ કે શાસ્ત્ર શક્તિમાન નહિ થાય. શુદ્ધ પ્રેમભાવની એ જ નિશાની કે જેના પ્રત્યે પ્રેમ હોય તેની સેવા કરવા માટે એ પોતાના સર્વસ્વનો ત્યાગ કરાવી દે. શરીર, સગવડ, આરોગ્ય, ધન, લોકલજ્જા, ભૂખતરસ, અને છેવટે નરકવાસની ભીતિ પણ એને કરુણાપ્રેરિત માર્ગ લેતાં અટકાવી શકે નહિ. જ્યાં સુધી જેના પ્રતિ પ્રેમ છે તેવા તરફ કિંચિત્ પણ સ્થૂળ કે માનસિક કે બૌદ્ધિક સુખ કે લાભ મેળવવાની આશા રહી છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ ઉદ્‍ભવ્યો નથી. શુદ્ધ પ્રેમ એ આપવાવાળો છે, લેવાવાળો નથી.

લોકલજ્જા અને શાસ્ત્રોક્ત વિધિનિષેધનું ઉલ્લંઘન કરનારા બે પ્રકારના લોકો હોય છે : સ્વચ્છંદી અને વિશુદ્ધ પ્રેમવાળા. વિશુદ્ધ પ્રેમ ન થાય ત્યાં સુધી લોકલજા અને શાસ્ત્રમર્યાદાના પાલનમાં શ્રેય છે. વિશુદ્ધ પ્રેમવાળો લોક કે શાસ્ત્રની નીતિ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, પણ સામાન્ય જનોની નિર્બળતાને