લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉત્પન્ન થાય. કોઈનો અધોગતિ કરનારો બુદ્ધિભેદ ન થાઓ. જે માર્ગે પોતાનું અત્યન્ત કલ્યાણ મનાયું હોય તે માર્ગને, બુદ્ધિપૂર્વક વિશેષ સારો માર્ગ દેખાયા વિના, છોડવાની પ્રવૃત્તિ ન થાઓ. એવું એક પણ વાક્ય આ દોષો ઉત્પન્ન કરે એવું છે એમ જેને લાગે તે જો કૃપા કરી મને જણાવશે, તો હું એનો વિચાર કર્યા વિના નહિ રહું.

આટલો દોષા થયા વિના કોઈની અંધશ્રદ્ધાને ધક્કો પહોંચે, અને એના દ્રષ્ટિબિન્દુને નવું વળણ મળે એ ઇષ્ટાપત્તિ જ છે. આપત્તિ એટલા માટે કહું છું કે એક ભાવનામાંથી બીજી ઉચ્ચતર ભાવનામાં પહોંચવાનો માર્ગ અત્યન્ત કષ્ટ ભોગવાવનારો છે. બુદ્ધિને એક નવી વસ્તુ સત્ય તરીકે સમજાય, અને તેમાં મન, વાણી અને શરીરથી નિષ્ઠા થાય, એ બેની વચ્ચે લાંબો કાળ જાય છે. અને એ કાળ જૂના સંસ્કારો અને નવીન સંસ્કારો વચ્ચેના ઝઘડા લડવામાં વીતે છે. એ લડાઈનું દુઃખ તીવ્ર હોય છે. પણ એ દુઃખ ભોગવ્યા વિના બાળકનું મુખ માતા જોઈ શકતી જ નથી; જેટલું પૂર્વારોગ્ય સારું એટલી પીડા ઓછી એટલું જ. તેમ કોઈનો ઝઘડો દીર્ઘ કાળ ચાલે, કોઈને ટૂંકો સમય. પણ ઝઘડો લીધે જ છૂટકો. ઉન્નતિની તીવ્ર ઇચ્છા રાખનાર પુરુષને એ યુદ્ધ માટે આવશ્યક ધૈર્ય મળી રહે છે, એ જ મનુષ્યને મળેલી શુભ સામગ્રી છે. એ વેદના કરાવવામાં હું નિમિત્તભૂત થાઉં તેનુંયે મને દુઃખ લાગે છે; પણ એ વિષે નિરુપાય છું. એ દુઃખને તીવ્રપણે અનુભવી ગયેલાનો એની સાથે સમભાવ રહેલો છે. એટલું જ એને હું આશ્વાસન આપી શકું.